×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકારની નવા વર્ષની ભેટ, નાની બચત યોજના પર વધુ વ્યાજ, જાણો PPF અને SSYનું શું થયું


નવી દિલ્હી, તા. 30 ડીસેમ્બર 2022, શુક્રવાર

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે NSC,પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે, PPFના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવા વ્યાજ દરો 1 જાન્યુઆરીથી અમલમાં આવી જશે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે કેટલીક બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.20 થી વધારીને 1.10 ટકા કરવામાં આવ્યા છે.

પીપીએફના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહી
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ ડિસેમ્બર ક્વાર્ટરની જેમ તે માર્ચ ક્વાર્ટરમાં પણ 7.1% ના સ્તર ચાલુ રહેશે. કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં સરકારે વધારો કર્યો છે. 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ક્વાર્ટરમાં 7%ના દરે વ્યાજ મળતું હતું, જે હવે 123 મહિનાના સમયગાળા માટે 7.2%ના દરે વ્યાજ મળશે.

SSYના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહી
સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી નાની બચત યોજનાઓનાં વ્યાજ દરોમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે કોઈ ફેરફાર કર્યો નથી.  દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર પણ 7.6 ટકા રાખવામાં આવ્યો છે. એટલે કે તેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ યોજનાઓના વ્યાજ દરોમાં વધારો થયો છે.
કેન્દ્ર સરકારે એકથી પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ પર મળતાં વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. આ સિવાય સિનિયર સિટીઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે પણ વ્યાજ દરમાં વધારો થયો છે.


વ્યાજ દરોમાં આટલો વધારો થયો છે
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર હાલમાં તે 6.8 ટકા છે જે હવે 1 જાન્યુઆરીથી તેમાં 7 ટકાના દરે વ્યાજ મળશે. તેવી જ રીતે 1 જાન્યુઆરીથી સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર 8 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. હાલમાં તે 7.6 ટકા છે. માસિક આવક યોજનાનો વ્યાજ દર પણ 6.7 ટકાથી વધીને 7.1 ટકા થઈ જશે. 1 થી 5 વર્ષના સમયગાળા માટે પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 1.1 ટકા વધારવામાં આવી છે. 

અગાઉ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો થયો હતો
આ પહેલા ડિસેમ્બર ક્વાર્ટર માટે સરકારે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો હતો. આ વધારો 0.30 બેસિસ પોઈન્ટનો થયો હતો. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓની સમીક્ષા કરી અંતે નાણા મંત્રાલય આ નિર્ણય લે છે.