×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટમાં કોને મળશે સ્થાન? આ નામો પર ચાલી રહી છે ચર્ચા

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

કેન્દ્રિય કેબિનેટમાં બદલાવ લાવવા માટે ભાજપમાં કવાયત ચાલી રહી છે. મોટાભાગના નામોને મંજૂરી આપી દેવાઈ છે. સોમવારે પીએમ મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠનના મહામંત્રી બી એલ સંતોષ સાથે બેઠક યોજી હતી.

રિપોર્ટ પ્રમાણે કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણને અંતિમ ઓપ અપાયો છે. જો ફેરબદલ થશે તો 2019 બાદ પહેલી વખત પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે.

આ માટેનુ લિસ્ટ તૈયાર છે. જેમના નામ તેમાં છે તેમને ફોન કરવામાં આવી રહ્યા છે. નારાયણ રાણેને દિલ્હી બોલાવાયા છે. આસામના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલને પણ દિલ્હીનુ તેડુ આવ્યુ છે. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા આજે હિમાચલ પ્રદેશથી પાછા આવે તેની રાહ જોવામાં આવી રહી છે. એ પછી નેતાઓને નડ્ડાની ઓફિસે બોલાવવામાં આવશે.

હાલની કેબિનેટમાં 53 મંત્રીઓ છે. નિયમ પ્રમાણે વધારેમાં વધારે 81 મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરી શકાય છે. ખાસ કરીને આગામી વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે ઘણા નામોની ચર્ચા ચાલી રહી છે.

જેમાં જ્યોરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ અને વરૂણ ગાંધીને કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સર્વાનંદ સોનોવાલ આસામના સીએમ રહી ચુકયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા છે. વરૂણ ગાંધી યુપીના સાંસદ છે. જ્યાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે.

આ સિવાય રામવિલાસ પાસવાનના ભાઈ પરશુપતિ પારસ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશિલ કુમાર મોદી, જેડીયુના આરસીપી સિંહ અને સંતોષ કુમારત તેમજ બિહારમાં ભાજપને સફળતા અપાવનાર ભુપેન્દ્ર યાદવના નામ પણ ચર્ચામાં છે.

ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા પશ્ચિમ બંગાળના નેતા દિનેશ ત્રિવેદી, પૂર્વ આઈએએસ અધિકારી અશ્વિની વૈષ્ણવ, ઓરિસ્સાના બૈજયંત પાંડાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તેઓ બીજેડી છોડીને ભાજપમાં જોડાયેલા છે. ગોપીનાથ મુંડેની પુત્રી પ્રીતમ મુંડે, મહારાષ્ટ્રના નારાયણ રાણે તથા દિલ્હીના સાંસદ મિનાક્ષી લેખી પણ દાવેદારોમાં છે.

અપના દલની અનુપ્રિયા પટેલ, યુપીના ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, યુપીના સાંસદ પંકજ ચૌધરી, મધ્યપ્રદેશના કૈલાસ વિજયવર્ગીય, રાજ્ય સભા સાંસદ અનિલ જૈન, રાજસ્થાનના સૌથી યુવા સાંસદ રાહુલ કસ્વાં, કર્ણાટકના રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખર તેમજ લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.