×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી શાસનમાં ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી છે : યુએસ થિંક ટેંક


નવી દિલ્હી, તા.૪

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના શાસનમાં લોકતાંત્રિક સ્વતંત્રતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારત એક વૈશ્વિક લોકતાંત્રિક દેશમાંથી એક સંકુચિત હિન્દુવાદી દેશનારૂપમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને તેની કિંમત સમાવેશી તથા સમાન અધિકારોને તિલાંજલી આપીને ચૂકવાઈ રહી હોવાનું અમેરિકાની લોકતાંત્રિક સંસ્થા ફ્રીડમ હાઉસનું કહેવું છે. આ સંસ્થાએ ભારતનું રેન્કિંગ 'આઝાદ' દેશમાંથી ઘટાડીને 'આંશિક આઝાદ' કરી દીધું છે. ભારતે વિશ્વમાં લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવતા દેશ તરીકેનું તેનું વલણ બદલીને ચીન જેવા તાનાશાહી દેશનું વલણ અપનાવ્યું હોવાનો ફ્રીડમ હાઉસે તેના વાર્ષિક અહેવાલમાં દાવો કર્યો છે. મોદી, ભાજપે ભારતને 'સત્તાધારી રાષ્ટ્ર'ના રૂપમાં બદલ્યો હોવાનો દાવો.


ફ્રિડમ હાઉસના રેન્કિંગમાં ભારત પહેલાં 'આઝાદ' કેટેગરીમાં હતું, પરંતુ હવે ભારતનું રેન્કિંગ ઘટાડીને 'આંશિક આઝાદ' કરી દેવાયું છે. આ સંસ્થાએ 'ડેમોક્રસી અન્ડર સીઝ' નામના તેના રિપોર્ટમાં કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારથી ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી રહી છે. જોકે, રિપોર્ટમાં કહેવાયું છે કે પરિસ્થિતિમાં આ પરિવર્તન વૈશ્વિક પરિવર્તનનો જ એક ભાગ છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજદ્રોહના કેસમાં વધારો, મુસ્લિમો પર હુમલા અને લૉકડાઉન દરમિયાન લગાવાયેલા પ્રતિબંધો રેન્કિંગ ઘટાડવાના મુખ્ય પરિબળો ગણાવાયા હતા. ભારત સરકાર તરફથી આ રિપોર્ટ અંગે હજી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત થઈ નથી.

ફ્રિડમ હાઉસે વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે, ભારતમાં બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીની સરાકર ભેદભાવની નીતિઓ અપનાવી રહી છે. મોદી શાસનમાં હિંસા વધી છે અને મુસ્લિમ વસતી તેનો ભોગ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં એક લોકતાંત્રિક લીડર તરીકે કામ કરવાનું છોડી દીધું છે. રિપોર્ટ મુજબ ૨૦૧૯ પછી ભારતના રેન્કિંગમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ સરકારમાં માનવાધિકાર સંગઠનો પર દબાણ વધ્યું છે. લેખકો અને પત્રકારોને ડરાવાઈ રહ્યા છે. કટ્ટરપંથથી પ્રભાવિત હુમલા થઈ રહ્યા છે, જેમાં લિંચિંગનો પણ સમાવેશ થાય છે અને મુસ્લિમો તેનો ભોગ બની રહ્યા છે. રિપોર્ટ મુજબ બીન સરકારી સંગઠનો, સરકારના અન્ય ટીકાકારોને હેરાન કરાઈ રહ્યા છે. મુસ્લિમ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો આર્થિક અને સામાજિક રૂપે હાંશિયામાં ધકેલાઈ ગયા છે.

ફ્રીડમ હાઉસે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ ૨૦૨૦ના ફેબુ્રઆરી મહિનામાં દિલ્હીમાં રમખાણો અને વિરોધ પ્રદર્શન સંબંધિત હિંસામાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમો હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે આ લોકો સરકાર તરફથી નાગરિક્તા કાયદામાં કરાયેલા ભેદભાવપૂર્ણ ફેરફારો વિરુદ્ધ દેખાવો કરી રહ્યા હતા. ફ્રીડમ હાઉસે કોરોનાકાળમાં અયોગ્ય રીતે લાગુ કરાયેલા લોકડાઉનની પણ ટીકા કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ લોકડાઉનના કારણે લાખો મજૂરો અને કામદારો સામે રોજગારીનું સંકટ ઊભું થઈ ગયું અને તેમણે સેંકડો માઈલો પગપાળા ચાલીને તેમના વતન જવું પડયું હતું.