×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી કૂણા પડયા : કૃષિ કાયદાઓ ફરજીયાત નથી, વૈકલ્પિક છે !


કેટલાકનું કામ હોય છે રમીશ નહીં અને રમવા પણ નહીં દઉં,  બસ ગમે તેમ કરીને ખેલ બગાડતો રહીશ : વિપક્ષ પર ટોણો

વિપક્ષે કૃષિ કાયદાઓના માત્ર કલર પર ચર્ચા કરી છે, કાયદાની વિગતો અને હેતુ પર કેમ કઇ બોલતા નથી ?

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2021, બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં દાવો કર્યો હતો કે ખેડૂતોના પવિત્ર આંદોલનને આંદોલનજીવીઓએ બર્બાદ કરવાનું કામ કર્યું છે. મોદીએ લોકસભામાં પોતાના દોઢ કલાકના ભાષણમાં કહ્યું હતું કે આંદોલનકારી અને આંદોલનજીવી વચ્ચે ફરક હોય છે.

સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ નવા કૃષિ કાયદા ખેડૂતો માટે માનવા ફરજિયાત નથી પણ વૈકલ્પિક છે. કાયદામાં કઇ પણ એવુ નથી કે જે ફરજિયાત હોય. ઇચ્છે તે લાભ લઇ શકે છે, અન્યથા જુની મંડી સિસ્ટમ જેવી હતી તેવી જ ચાલુ રહેશે.  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર અને સંસદને ખેડૂતો પ્રત્યે ખુબ આદર છે, જે લોકો જુની પદ્ધતીથી પોતાના પાકનું વેચાણ કરવા માંગતા હોય તે કરી શકે છે, મંડી સિસ્ટમ અને ટેકાના ભાવને કોઇ જ અસર આ નવા કાયદાઓથી નહીં થાય.

જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કૃષિ કાયદાઓ અંગેના દાવા વખતે કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કરી લીધો હતો. જોકે મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસે આ નવા કૃષિ કાયદાઓનો માત્ર કલર જ જોયો છે અને તેના પર જ ચર્ચા કરી છે જ્યારે કાયદાની જે કન્ટેન્ટ છે તેના પર ધ્યાન નથી આપ્યું.

મોદીએ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. સંસદમાં કાર્યવાહીને અટકાવવાના આ પ્રયાસો પૂર્વાયોજિત કાવતરૂં છે. રણનીતિ એ છે કે જે જુઠ અને અફવાઓ ફેલાવવામાં આવી છે તેનો પર્દાફાશ થઇ જશે અને તેથી જ વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે. 

પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કૃષિ કાયદાને લઇને જે આશંકાઓ ફેલાવવામાં આવી રહી છે કે આ થઇ જશે ને પેલુ થઇ જશે, આ માહોલ આંદોલનજીવીઓ દ્વારા પેદા કરવામાં આવે છે.

સાથે મોદીએ દાવો કર્યો હતો કે ખેડૂતોના આંદોલનમાં જે લોકો જેલમાં છે, જે નક્સલીઓ જેલમાં છે, જે આતંકવાદીઓ જેલમાં છે તેને મુક્ત કરવાની માગણી કરતી તસવીરો કેમ આ આંદોલનમાં જોવા મળી હતી? આ પ્રકારનું કામ ખેડૂતોના આંદોલનને અપનિત્ર કરવા માટેનું છે, ટોલપ્લાઝા પર ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો, જેને ટાંકીને મોદીએ કહ્યું કે ટોલ પ્લાઝા પર તોડફોડ કરવી, તેના પર કબજો કરી લેવો, ટોલ પ્લાઝા ચાલવા ન દેવા આ પવિત્ર આંદોલનને કલંકિત કરવાનું કૃત્ય છે. 

ખેડૂતોએ પંજાબમાં જીઓના અનેક ટાવર તોડી નાખ્યા હતા, જેને ટાંકીને મોદીએ કહ્યું હતું કે પંજાબમાં અનેક મોબાઇલ ટાવરોને તોડી નાખી ખેડૂતોના આંદોલનને બદનામ કરવાનું કામ આંદોલનજીવીઓએ કર્યું છે. દેશએ આવા આંદોલનજીવીઓથી બચીને રહેવાની જરૂર છે.

આ લોકોનું કામ છે કે ન રમીશ ને ના રમવા દઇશ માત્ર ખેલ બગાડીશ. મોદીએ કહ્યું કે કૃષિ કાયદાનો હેતુ અને તેમાં શું છે તેના પર વિપક્ષ ચર્ચા નહી કરે અને માત્ર કાયદાનો કલર કેવો છે તેના પર જ ચર્ચા કરશે. પીએમ મોદીએ સવાલ કર્યો કે કૃષિ કાયદાઓમાં જો કઇ ખરાબ હોય તો અમને જણાવવામાં આવે, અમે બદલાવ કરવા માટે તૈયાર છીએ.