×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોતના આંકડા છૂપાવતા હોવાના અહેવાલ પાયાવિહોણા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

ગાંધીનગર, તા. 15 મે 2021, શનિવાર

ગુજરાતમાં કોરોનાથી મોતના આંકડા છુપાવામાં આવતા હોવાના અહેવલાનો સરકારે ફગાવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરકાર મોતના આંકડા છૂપાવે છે તે અહેવાલો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જન્મ અને મરણના સર્ટીફિકેટ આપવાની કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. મૃતકના પરિવારજનોને બેન્ક, એલઆઇસી સહિત મકાનના દસ્તાવેજો માટે ડેથ સર્ટિફિકેટની જરૂર રહે છે. આથી ઇસ્યુ થયેલા મરણના દાખલા તેમજ મૃત્યુ આંક વચ્ચે તફાવત હોઇ શકે છે.

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે. પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું ત્રણેય અલગ-અલગ બાબતોને એક સાથે સાંકળી અહેવાલમાં કરાયેલું તારણ-નિષ્કર્ષ આધાર વિનાનું છે. અખબારી અહેવાલમાં તુલના કરાયેલા ડેટાઓનું અંડર રિપોર્ટીંગ થયું છે જેનો કોઇ ચોક્કસ આધાર નથી.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, જ્યારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણ પત્રની બેંક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે. 

છેલ્લા 71 દિવસમાં 1.23 લાખ મરણના દાખલા આપવામાં આવ્યા
ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર જેવા જિલ્લામાં સૌથી વધારે કોરોનાનો કાળો કહેર દેખાય છે. આ મહાનગરોમાં શ્મશાનો બહાર અંતિમ સંસ્કાર માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. એક સરકારી વિભાગે આપેલા આંકડામાં કોરોનાથી થતાં મોત અને સરકારી આંકડાને વચ્ચે ભારે મતભેદો સર્જાયા છે. રાજ્યમાં વિતેલા 71 દિવસમાં 1.23 લાખ મરણના દાખલા આપવામાં આવ્યા છે. જો કે, તેમાં કોવિડથી મૃત્યુ પામેલા ફક્ત 4218 લોકો જ બતાવ્યા છે.

ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં ગોટાળા
ગત વર્ષે થયેલા મોત અને હાલ જાહેર કરવામાં આવેલા ડેથ સર્ટિફિકેટના આંકડાની સરખામણી કરીએ તો, બેગણાથી વધારે થઈ જાય છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 33 જિલ્લામાં અને 8 નગરનિગમો દ્વારા ફક્ત 71 દિવસમાં અત્યાર સુધીમાં 1,23,026 ડેથ સર્ટિફિકેટ આપ્યા છે. આ વર્ષે માર્ચમાં રાજ્યમાં કુલ 26,026 ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. એપ્રિલમાં આ વધીને 57,796 અને મેની શરૂઆતમાં 10 દિવસમાં 40,051 સુધી પહોંચી ગયા હતા.