×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોડી રાતે જંતર-મંતર પર બબાલ, પોલીસ અને રેસલરો વચ્ચે અથડામણ, બે રેસલરોને ગંભીર ઈજા થઇ

image : Twitter


બુધવારે મોડી રાત્રે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કુશ્તીબાજો નો આરોપ છે કે વરસાદને કારણે તેઓએ બેડ મગાવ્યા હતા.  પોલીસ ધરણાં સ્થળ પર પહોંચે તે પહેલા આ બેડને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહેવાલો અનુસાર દુષ્યંત ફોગાટ સહિત બે કુશ્તીબાજો ઘાયલ થયા છે. જ્યારે ફોલ્ડિંગ બેડ સાથે જંતર-મંતર પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને પોલીસે કસ્ટડીમાં લઈ લેવાયા છે. બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જંતર-મંતર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન પોલીસે 40થી વધુ લોકોની અટકાયત કરી હતી. 

કુશ્તીબાજ બજરંગ પુનિયાનો આરોપ  

કુસ્તીબાજ બજરંગ પુનિયાનો આરોપ છે કે પોલીસકર્મીઓએ વિરોધ કરી રહેલી મહિલા રેસલર્સ સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી. અમને સમગ્ર દેશના સમર્થનની જરૂર છે, દરેક વ્યક્તિએ દિલ્હી આવવું જોઈએ, એમ તેમણે કહ્યું. પોલીસ અમારી વિરુદ્ધ બળપ્રયોગ કરી રહી છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે બ્રિજભૂષણ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. આ સિવાય કુશ્તીબાજોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેટલાક બહારના લોકોએ દારૂ પીને હંગામો મચાવ્યો હતો અને ગેરવર્તણૂક પણ કરી હતી.

વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રડી પડ્યા

જ્યારે રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તે એક સ્પોર્ટ્સપર્સન છે જેણે દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેનીમ સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.  આંખોમાં આંસુ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે કહ્યું કે જો તમે અમને મારવા માંગતા હોવ તો અમને મારી નાખો. શું અમે આ દિવસ જોવા માટે દેશ માટે મેડલ જીત્યા હતા? અમે જમ્યા પણ નથી. શું પુરુષોને સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરવાનો અધિકાર છે? આ પોલીસકર્મીઓ પાસે બંદૂકો છે, તેઓ અમને મારી શકે છે. વિનેશે કહ્યું, મહિલા પોલીસ અધિકારીઓ ક્યાં છે? પુરુષ અધિકારીઓ અમને આ રીતે કેવી રીતે દબાણ કરી શકે. અમે ગુનેગાર નથી. નશામાં ધૂત પોલીસ અધિકારીએ મારા ભાઈનું માથું ફોડી નાખ્યું. 

પોલીસ અધિકારીનું નિવેદન

ડીસીપી પ્રણવ તયાલે જણાવ્યું કે, જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પરવાનગી વગર પલંગ સાથે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે સમર્થકો આક્રમક બની ગયા હતા અને ટ્રકમાંથી પથારી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી નજીવી બોલાચાલી થઈ અને સોમનાથ ભારતી સહિત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી. તેમણે કહ્યું કે અમે કુશ્તીબાજોને તેમની ફરિયાદ નોંધાવા કહ્યું છે, અમે તેમના પર યોગ્ય કાર્યવાહી કરીશું. કુશ્તીબાજો દ્વારા ગેરવર્તનનો આરોપ લગાવનાર પોલીસકર્મીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

પોલીસે ધરણાં સ્થળ સીલ કરી દીધું હતું

આ દરમિયાન રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અને સાંસદ જયંત ચૌધરી તેમજ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કુશ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને કુશ્તીબાજોની નજીક જવા દીધા ન હતા. પોલીસે કુશ્તીબાજોના ધરણા સ્થળને સીલ કરી દીધું છે. તેમની નજીક કોઈને મંજૂરી આપવામાં આવી રહી નથી. બીજી તરફ કુશ્તીબાજોએ દેશવાસીઓને સમર્થન બતાવવા માટે જંતર-મંતર આવવાની અપીલ કરી છે. તે જ સમયે, ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

ગીતા ફોગાટે કહ્યું- મારા ભાઈનું માથું ફાટી ગયું હતું

ભારતની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટે આ મામલે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “પોલીસ દ્વારા જંતર-મંતર પર કુશ્તીબાજો પર હુમલો, જેમાં મારા નાના ભાઈ દુષ્યંત ફોગટનું માથું ફાડી નાખવામાં આવ્યું અને અન્ય એક કુશ્તીબાજો પણ ઘાયલ થયો. આ ખૂબ જ શરમજનક છે.

કુશ્તીબાજો 23 એપ્રિલથી વિરોધ કરી રહ્યા છે

આ વર્ષે જાન્યુઆરીમાં દેશના કેટલાક અગ્રણી કુશ્તીબાજોની આગેવાની હેઠળના વિરોધ બાદ રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ અને અન્ય કોચ પર લાગેલા આરોપોની તપાસ કરવા માટે 'મોનિટરિંગ કમિટી'ની રચના કરવાની જાહેરાત કરી હતી. સમિતિને આ મુદ્દા પરનો અહેવાલ મંત્રાલયને સોંપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં વિલંબને કારણે કુશ્તીબાજોએ 23 એપ્રિલથી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.