×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોગા ખાતે રેલીમાં દિલ્હીના CMએ કહ્યું- પંજાબમાં ફરી રહ્યો છે એક નકલી કેજરીવાલ, બચીને રહેજો…


- જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક મહિલાને એક હજાર રૂપિયા આપવામાં આવશેઃ કેજરીવાલ

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર, 2021, સોમવાર

પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ મોગા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મેગા રેલી યોજાઈ હતી. કેજરીવાલે આ રેલી દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું કે, જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક મહિલાને એક હજાર રૂપિયા આપવામાં આવશે. 

રેલી દરમિયાન કેજરીવાલે કહ્યું કે, પરિવારમાં એક દીકરી, વહુ, સાસુ છે તો સૌના ખાતામાં 1-1 હજાર રૂપિયા મોકલવામાં આવશે. આ સાથે જ કેજરીવાલે કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર તેમનું નામ લીધા વગર જ નિશાન તાક્યું હતું. 

કેજરીવાલે કહ્યું, 'હું જોઈ રહ્યો છું પંજાબમાં એક નકલી કેજરીવાલ ફરી રહ્યો છે. હું જે પણ વચનો આપીને જઉં છું, 2 દિવસ બાદ તે પણ એ જ વચનો આપે છે પરંતુ કોઈ કામ નથી કરતા. કહે છે કે, વીજળી ફ્રી થઈ ગઈ પરંતુ કોઈનું પણ એમ નથી બન્યું. આપની સરકાર બનશે તો ભવિષ્ય બની જશે. વીજળીનું બિલ જીરો (શૂન્ય) કરવાનું કોઈને નથી આવડતું. એ ફક્ત કેજરીવાલ જ કરી શકે છે માટે નકલી કેજરીવાલથી બચીને રહેજો.'

સ્વાસ્થ્ય સેવા મામલે નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે, એક મહોલ્લા ક્લીનિક બનાવવામાં 20 લાખ રૂપિયા લાગે છે અને માત્ર 10 જ દિવસનો સમય લાગે છે તો પછી નકલી કેજરીવાલે કેમ ન બનાવ્યા, આ કામ પણ ફક્ત અસલી કેજરીવાલ જ કરી શકે છે.

આ સિવાય કેજરીવાલે દીકરીઓના શિક્ષણને લઈ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણી દીકરીઓ કોલેજ નથી જઈ શકતી, પરંતુ હવે જઈ શકશે, દીકરીઓ હવે નવો સૂટ ખરીદી શકશે.

કેજરીવાલે મોગા ખાતે મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, મોદીજીએ નોટબંધી કરીને બધાં પૈસા ડૂબાડી દીધા હતા પરંતુ આ યોજનાથી મહિલાઓને તાકાત મળશે.