×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોંઘવારીએ માઝા મૂકી, પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજી પણ મોંઘા


- પેટ્રોલમાં 30 પૈસા, ડીઝલમાં 35 પૈસા, સિલિન્ડરમાં રૂ.15નો વધારો

- પટણામાં એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 990: મુંબઇમાં પેટ્રોલ રૂ. 108.96, ડીઝલ રૂ. 99.17, એલપીજી સિલિન્ડર રૂ. રૂ. 899.50

- અમદાવાદમાં પેટ્રોલ રૂ. 99.71 અને ડીઝલ રૂ. 98.50  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 82.92 ડોલરને પાર

નવી દિલ્હી : રાંધણ ગેસ એલપીજીના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહ પૈકીનો સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. 

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીએ જારી કરેલા પ્રાઇસ નોેટિફિકેશન અનુસાર દિલ્હી અને મુંબઇમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૮૯૯.૫૦ રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૯૨૬ રૂપિયા થઇ ગયો છે. 

કેન્દ્ર સરકારે દેશના મોટા ભાગના શહેરોમાં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી બંધ કરી દીધી છે. પાંચ કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૫૦૨ રૂપિયા થઇ ગયો છે. 

જુલાઇથી અત્યાર સુધીમાં ચોથી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં જુલાઇમાં ૨૫.૫૦ રૂપિયા, ૧૭ ઓગસ્ટે ૨૫ રૂપિયા અને એક સપ્ટેમ્બરે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 

બીજી તરફ આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો છેલ્લા કેટલાક સપ્તાહ પૈકીનો સૌથી વધારે છે. 

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશન અનુસાર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૨.૯૪ રૂપિયા અને અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૧.૪૨ રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૮.૯૬ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૯.૧૭ રૂપિયા થઇ ગયો છે. 

વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો દર અલગ અલગ હોવાથી વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભિન્ન ભિન્ન જોવા મળે છે. ઓપકે દેશોએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ન વધારતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને ૮૨.૯૨ ડોલરને પાર થઇ ગયો છે. 

બીજી તરફ બે સપ્તાહમાં ડીઝલના ભાવમાં ૧૦મી વખત ભાવવધારો કરવામાં આવતા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગણાના કેટલાક શહેરોમાં ડીઝલનો ભાવ પણ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. 

વિશ્વમાં ઓઇલની અછત સર્જાઇ હોવા છતાં ઓપેક દેશોએ ક્રૂડના ઉત્પાદન અંગે પોતાની અગાઉની નિર્ધારિત નીતિમાં કોઇ ફેરફાર ન કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને  સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.

 એક મહિના પહેલા આ જ ક્રૂડનો ભાવ ૭૨ ડોલરની નીચે હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૮ જુલાઇથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં કોઇ ભાવવધારો કર્યો ન હતો.

ભારતીય ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૂ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨.૮૦ રૂપિયા અને પેટ્રોલના ભાવમાં ૧.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ અગાઉ ચોથી મેથી ૧૭જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૂપિયાનો વધારો થયો હતો.