×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેહુલ ચોક્સીને જેલમાં શિફ્ટ કરવા આદેશ, પરંતુ સારવાર થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેશે


- મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડે કોઈ પણ પ્રકારના કિડનેપિંગની થિઅરી નકારી દીધી હતી

નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને હવે પોલીસ કસ્ટડીમાંથી શિફ્ટ કરીને જેલમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. જોકે મેહુલ ચોક્સી હજુ પણ હોસ્પિટલમાં જ છે અને તેની સારવાર ચાલી રહી છે. ડોમિનિકાની એક કોર્ટે ગુરૂવારે આવો આદેશ આપ્યો હતો. 

મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલના કહેવા પ્રમાણે મેહુલ ચોક્સીને પોલીસ કસ્ટડીમાંથી કાઢીને જેલની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે પરંતુ તેની તબિયતમાં સુધારો આવે ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રહેશે. મેહુલ ચોક્સીની લીગલ ટીમે કોર્ટને મેડિકલ સર્ટિફિકેટ સોંપ્યા હતા જેમાં મેન્ટલ સ્ટ્રેસ અને બ્લડ પ્રેશરની મુશ્કેલી અંગેની જાણકારી આપવામાં આવી છે. 

મેહુલ ચોક્સી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકને 13,500 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. મેહુલ ચોક્સી લાંબા સમયથી એન્ટીગુઆમાં હતો પરંતુ મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન તે કોઈ રીતે ડોમિનિકા પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારત મેહુલ ચોક્સીને પાછો લાવવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ હાલ ડોમિનિકાની કોર્ટમાં પ્રત્યાર્પણ માટેની સુનાવણી ટળી ગઈ છે. 

ભારતની સીબીઆઈ, ઈડી સહિતની અન્ય ટીમો ડોમિનિકા મુદ્દે નજર રાખી રહી છે અને મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયત્નમાં જોડાયેલી છે. આ તરફ મેહુલ ચોક્સીની લીગલ ટીમના કહેવા પ્રમાણે તેનું જાણી જોઈને અપહરણ કરવામાં આવ્યું અને ડોમિનિકા લાવવામાં આવ્યો જેથી એન્ટીગુઆમાં તેને જે લીગલ પ્રોટેક્શન મળતું હતું તે ન મળે અને મેહુલ ચોક્સીને ભારત શિફ્ટ કરી શકાય. 

મેહુલ ચોક્સી તરફથી તેની એક ગર્લફ્રેન્ડ બારબરાની થિઅરી પણ સામે લાવવામાં આવી પરંતુ બારબરાએ પોતાના તરફથી નિવેદન જાહેર કરીને કોઈ પણ પ્રકારના કિડનેપિંગની થિઅરી નકારી દીધી હતી.