×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેરઠ ખાતે PM મોદી- પહેલા ગુનેગારો ગેરકાયદેસર કબજાની ટુર્નામેન્ટ રમતાં, હવે યોગી સરકાર તેમના સાથે…


- વડાપ્રધાને મેરઠના શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પિત કર્યા 

નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી, 2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મેરઠના સરધના ખાતે ખેલ વિશ્વવિદ્યાલયની આધારશિલા રાખી હતી. મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા મેરઠ અને આજુબાજુના વિસ્તારોમાં અપરાધીઓ ગેરકાયદેસર કબજાની ટુર્નામેન્ટ રમતા હતા. ગુનેગારોના ડરથી લોકો પલાયન કરવા માટે મજબૂર બન્યા હતા. સાંજ પડ્યા બાદ બહેન-દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી. અપરાધીઓ કેર વર્તાવી રહ્યા હતા અને પાછલી સરકારો પોતાની ટુર્નામેન્ટ રમવામાં વ્યસ્ત રહેતી હતી. યોગી સરકારના આવ્યા બાદ આ તમામ ગુનેગારો 'જેલ-જેલ' રમી રહ્યા છે. આજે પ્રદેશમાંથી અપરાધીઓ પલાયન કરવા લાગ્યા છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, પહેલા કોઈ પોતાની ઓળખ ખેલાડી તરીકે આપતું તો લોકો સવાલ કરતા કે, રમત તો ઠીક છે કામ શું કરો છો? એવું માનવામાં આવતું કે, ફોજ-પોલીસમાં જવા માટે ખેલાડી બનવામાં આવે છે. લોકોમાં રમત પ્રત્યે સન્માનની ઉણપ હતી જેથી ખેલાડીઓએ ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો. 

વડાપ્રધાને કહ્યું કે, જે હોકીએ ગુલામી દરમિયાન પણ દેશનો ઝંડો ઉંચો રાખ્યો તેના પર જ પહેલાની સરકારોએ ધ્યાન ન આપ્યું. દુનિયાની હોકી મેદાનથી ટર્ફ તરફ વધી ગઈ અને આપણે પાછળ જતા ગયા. ફક્ત હોકી જ નહીં અન્ય રમતો પણ ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદને ભેટ ચડી ગઈ. 2014 બાદ ખેલાડીઓને 4 શસ્ત્ર આપવામાં આવ્યા- સંસાધન, ઈન્ટરનેશનલ ટ્રેઈનિંગ, વિદેશોમાં ઓળખ અને પસંદગીમાં પારદર્શિતા. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા એવું કહેવામાં આવતું કે, વડીલોએ દેખાડેલા રસ્તે ચાલવું જોઈએ પરંતુ હવે એવો જમાનો છે કે, યુવાનો જે રસ્તે ચાલે તે જ રસ્તા પર દુનિયા ચાલવા લાગે છે. વડાપ્રધાને મેરઠમાં યોજાતા કુશ્તીના દંગલોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ઈનામમાં મળતા ઘીના પીપડા અને લાડવાઓ માટે કોણ દંગલમાં ન ઉતરે. ખેલો ઈન્ડિયાના માધ્યમથી સરકાર ખેલાડીઓને સંસાધન આપી રહી છે અને દેશના ખૂણે-ખૂણેથી ટેલેન્ટ સામે લાવવામાં આવી રહી છે. 

આ વિશ્વવિદ્યાલયનું નામ હોકીના જાદુગરના નામથી મશહૂર મેજર ધ્યાનચંદના નામ પર રાખવામાં આવ્યું છે. આ વિશ્વવિદ્યાલય આશરે 92 એકર જમીન પર 700 કરોડના ખર્ચે તૈયાર થશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે જ વડાપ્રધાન મોદી રોડ માર્ગે મેરઠ પહોંચ્યા હતા. ખેલ વિશ્વવિદ્યાલયની આધારશિલા રાખતા પહેલા વડાપ્રધાને મેરઠના કાલી પલટન મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી. તેમણે મેરઠના શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પિત કર્યા હતા.