×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મૃત્યુ પર મળેલી વળતરની રકમ પર ટેક્સ લાગશે કે નહીં? : ગુજરાત હાઈકોર્ટેનો સવાલ


નવી દિલ્હી, તા. 08 માર્ચ 2022, મંગળવાર 

ગુજરાત હાઈકોર્ટે ઈન્કમટેક્સ વિભાગને મૃત્યુ પછી વળતરની રકમ પર ટેક્સ ડિમાન્ડ કાઢવા પર સવાલ કર્યો છે. સાથે જ વિભાગે આ અંગે જવાબ આપવા માટે થોડો સમય માંગ્યો છે. 36 વર્ષ જૂની ઈન્ટરનેશનલ ફ્લાઈટ હાઈજેકની ઘટનામાં ભારતીય મહિલાના મોત બાદ ન્યૂયોર્કની કોર્ટે વળતરની રકમ જાહેર કરી હતી. આ પછી મહિલાના સંબંધીએ આ રકમ પર ઈન્કમટેક્ષની માંગણી સામે કોર્ટમાં અરજી કરી હતી.

એક અહેવાલ પ્રમાણે કોર્ટે સવાલ કર્યો છે કે, શું વિદેશી કોર્ટ દ્વારા આપવામાં આવેલી આ પ્રકારની વળતરની રકમને 'આવક' તરીકે ગણી શકાય. અને જો એમ હોય તો કઈ જોગવાઈઓ હેઠળ તેના પર ટેક્સ લગાવી શકાય છે. આ મામલે કલ્પેશ બાબુલાલ દલાલે અરજી કરી છે. વર્ષ 1986માં તેમની પત્ની તૃપ્તિ દલાલનું પૈન એએમ ફ્લાઇટમાં હાઈજેકની ઘટનામાં મૃત્યુ થયું હતું. તે બોમ્બેથી ન્યૂયોર્ક જઈ રહી હતી.

આ ઘટના બાદ કોલંબિયાની કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં પત્નીના અવસાન બાદ દલાલને વળતર તરીકે લગભગ 18.60 કરોડ રૂપિયા મળ્યા હતા. તેને નાણાકીય વર્ષ 2012-13માં 8.11 કરોડ રૂપિયા, 2013-14માં 34.24 લાખ રૂપિયા અને 2.14-15માં 10.15 કરોડ રૂપિયા મળ્યા હતા.

જો કે, ઈન્કમટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2013-14 અને 2014-15 માટે આકલન ફરીથી ખોલવાની માંગ કરી છે. વિભાગે દાવો કર્યો છે કે દલાલે ફાઈલ કરેલા રિટર્નમાં વળતરની રકમ દર્શાવવામાં નથી આવી. ઈન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ મળ્યા બાદ દલાલે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અરજદારનું કહેવું છે કે વળતરની રકમ આવક નથી અને તેથી ટેક્સ લગાવી શકાય નહીં. સુનાવણી દરમિયાન દલાલે એ પણ જણાવ્યું કે વિભાગની તપાસ ટીમે 2014માં સમન્સ જારી કર્યા હતા, જેનો તેમણે જવાબ આપ્યો છે. અરજદારે કહ્યું કે તેણે બેંક ટ્રાન્ઝેક્શન સંબંધિત તમામ માહિતી પણ આપી છે. આને 'અનોખા' કેસ તરીકે ધ્યાનમાં લેતા, જસ્ટિસ જેબી પારડીવાલા અને નિશા ઠાકુરની ડિવિઝન બેંચે 24 જાન્યુઆરીએ આવકવેરા વિભાગને નોટિસ પાઠવી હતી. આ મામલે વધુ સુનાવણી 14 માર્ચે થશે.