×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈમાં 17 ડિસેમ્બરે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન: ઉદ્ધવ ઠાકરેનું એલાન


- રાજ્યને પ્રેમ કરનારાઓએ મહારાષ્ટ્રનું અપમાન કરનારાઓ સામે એક થવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, તા. 06 ડિસેમ્બર 2022, મંગળવાર

મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન અને મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ 17 ડિસેમ્બરે મુંબઈમાં મોટા પાયે વિરોધ પ્રરદરેશનનું એલાન કર્યું છે. આ ઉપરાંત MVA મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના રાજીનામાની પણ માંગ કરી રહ્યું છે.

MVAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને છત્રપતિ શિવાજી મહારાજ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ હટાવવાની પણ માંગ કરી છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 17 ડિસેમ્બરે અમે વર્તમાન રાજ્ય સરકાર વિરુદ્ધ મુંબઈના જીજામાતા ઉદ્યાનથી આઝાદ મેદાન સુધી રેલી કાઢીશું અને મહારાષ્ટ્રના રાજ્યપાલને હટાવવાની માંગ કરીશું.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે, રાજ્યને પ્રેમ કરનારાઓએ મહારાષ્ટ્રનું અપમાન કરનારાઓ સામે એક થવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. સરકાર પર પ્રહાર કરતાં ઠાકરેએ કહ્યું કે, કર્ણાટક અમારા વિસ્તારો, ગામડાઓ અને જાથ, સોલાપુર માટે પણ પૂછી રહ્યું છે. શું તેઓ અમારા પંઢરપુર વિઠોબાને પણ પૂછશે? આનાથી એક સવાલ ઉભો થાય છે - શું મહારાષ્ટ્રમાં કોઈ સરકાર છે?

ક્યાંથી શરૂ થયો વિવાદ

19 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ઔરંગાબાદમાં ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજને 'જૂના આઈકોન' કહ્યા બાદ રાજ્યમાં વિવાદ સર્જાયો હતો. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો અને મરાઠા સંગઠનો અને વિપક્ષી નેતાઓ તરફથી ઘણી નિંદા થઈ હતી.