×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈમાં સોમાલિયા જેવો એટેક થશે, સાવધ રહેજોઃ ફરી પોલીસને મેસેજ મળ્યો

મુંબઈ, તા. 26 ઓગષ્ટ 2022,શુક્રવાર

મુંબઈમાં શસ્ત્રો મળવા તથા બોમ્બ મુકવા સહિતની ધમકીઓના સિલસિલાનો કોઈ અંત આવતો નથી. ફરી મુંબઈ પોલીસને એક મેસેજ મળ્યો છે જેમાં સોમાલિયા જેવો એટેક થવાની ચેતવણી આપવામાં આવી છે. 

મુંબઈ ટ્રાફિક પોલીસને તેના વ્હોટસ એપ નંબર પર મળેલા આ મેસેજમાં જોકે, કોઈ સીધેસીધી ધમકી આપવામાં આવી નથી પરંતુ એટલું કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં સોમાલિયા જેવો એટેક થઈ શકે છે એટલે સાવધ રહેજો. 

આ મેસેજ કોઈ ઈન્ટરનેશનલ નંબર પરથી કરવામાં આવ્યો છે. પોલીસ તેના સ્ત્રોતની તપાસ કરી રહી છે. આ મેસેજમાં સોમાલિયાના કોઈ ચોક્કસ બનાવનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ એ જાણીતું છે કે થોડા દિવસો પહેલાં અલ શબાબ નામના આતંકી જૂથ દ્વારા સોમાલિયામાં મગાદિસુ ખાતે હયાત હોટલ પર હુમલો કરાયો હતો. શું આ મેસેજ ફરી મુંબઈની કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં હુમલાની શક્યતાનો ગર્ભિત ઈશારો કરી રહ્યો છે તેવો સવાલ પેદા થયો છે. અગાઉ 26-11ના હુમલામાં પણ મુંબઈની વિખ્યાત તાજ હોટલને નિશાન બનાવવામાં આવી હતી. 

આ પહેલાં મુંબઈમાં ગયાં સપ્તાહે ટ્રાફિક પોલીસની હેલ્પલાઈનને જ 26-11 જેવો હુમલો થવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી કતારના કોઈ શખ્સે આપી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, તેની સાથે સંકળાયેલા કેટલાક નંબરોનું પગેરું યુપી તરફ પણ મળ્યું હતું. 

થોડા દિવસો પહેલાં મુંબઈ નજીકના રાયગઢના દરિયાકાંઠેથી શસ્ત્રો સાથેની બિનવારસી બોટ મળી હતી. એ પછી શહેરની જાણતી ફાઈવ સ્ટાર હોટલને બોમ્બ મુકાયો હોવાનું જણાવી તે ડિફ્યૂઝ કરવા પાંચ કરોડની ખંડણી માગવામાં આવી હતી.

વધુ વાંચો : મુંબઈની હોટલને ઉડાવી દેવાની ધમકી: 4 જગ્યાએ બોમ્બ મુક્યા છે,5 કરોડ આપો નહીંતર..