×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈમાં રણબીર-શ્રદ્ધાની ફિલ્મના સેટ પર ભીષણ આગ

મુંબઈ, તા. 29 જુલાઈ 2022,શુક્રવાર

મુંબઈના અંધેરી વિસ્તારમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનિત ફિલ્મ માટે ઊભા કરાયેલા સેટ પર આજે બપોરે ભીષણ આગ લાગી હતી. જોકે, આગ વખતે સેટ પર કોઈ કલાકારો હાજર ન હતા. 

બપોરે અંધેરી વીરા દેસાઈ રોડ પરના ચિત્રકૂટ  મેદાનમાં બનાવાયેલા સેટ પર બપોરે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ ટૂ જાહેર કરાઈ હતી અને અગ્નિશમન માટે 10થી વધુ ટેન્ડર્સ રવાનાં કરાયાં હતાં. 

આગને પગલે વીરા દેસાઈ રોડ તથા તેની આસપાસના કેટલાક માર્ગો પરનો ટ્રાફિક અટકાવી દેવાયો હતો તેને પગલે ચારે બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગને લીધે કાળાં ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી પણ દેખાતા હતા. છેક બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સની હાઈરાઈઝ ઓફિસોમાં કામ કરતા લોકોએ પણ અંધેરીની દિશામાં ધૂમાડાના ગોટેગોટા જોયા હતા. આ મેદાન પર હંમેશાં કોઈને કોઈ ફિલ્મનો સેટ લાગેલો હોય છે અને અહીં સંખ્યાબંધ વખત ફિલ્મી આગ લાગતી હોય છે એટલે ધૂમાડાના ગોટેગોટા જોવા મળે તો લોકોને કોઈ નવાઈ નથી લાગતી. પરંતુ, આજે વધારે મોટા પાયે ધૂમાડા તથા ફાયર બ્રિગેડની સાઈરન્સ સાંભળીને લોકોને ખ્યાલ આવ્યો હતો કે ફિલ્મના શૂટિંગમાં નકલી નહીં પણ અસલી આગ લાગી છે. 

આગ વખતે સેટ પર કોઈ કલાકારો હાજર ન હતા. અન્ય કોઈ ટેક્નિશિયન કે કોઈને પણ ઈજાના કોઈ પ્રાથમિક અહેવાલો નથી. જોકે, આગમાં પ્રોપર્ટીઝને ખાસ્સું નુકસાન થયાનો અંદાજ છે.

લવ રંજનની આ ફિલ્મને હજુ સુધી કોઈ ટાઈટલ અપાયું નથી. રણબીર અને શ્રદ્ધા તાજેતરમાં જ આ ફિલ્મનાં એક ગીતનાં શૂટિંગ માટે મોરેશિયસ ગયાં હતાં. રણબીર લાંબા સમય પછી એક કોમેડી ફિલ્મમાં કામ કરી રહ્યો છે .આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ કેમિયો કરવાનો છે.