×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'મુંબઈમાં ફરી થશે 26/11 જેવો હુમલો, ઓસામા, કસાબ જેવા ઘણાં છે': પોલીસ એક્શનમાં


- 'ઓસામા બિન લાદેન, અજમલ કસાબ અને અયમાન અલ ઝવહિરી મરી ગયા તો શું થયું? તેમના જેવા બીજા ઘણાં છે.' 

મુંબઈ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર

દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈને ફરી હચમચાવી નાખવા માટેનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને પાકિસ્તાની નંબર પરથી એક ધમકીભર્યો કોલ આવ્યો છે. કોલ કરનારા શખ્શે ધમકીના સૂરમાં મુંબઈમાં ફરી 26 નવેમ્બર 2008 જેવો આતંકવાદી હુમલો કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

6 લોકો બ્લાસ્ટ કરશે, ઓસામા, કસાબ જેવા ઘણાં છે 

મુંબઈ પોલીસને મળેલી ધમકીમાં જણાવાયું છે કે, 'મુંબઈ પર હુમલો થવાનો છે અને તે તમને 26/11ની યાદ અપાવી દેશે. જો પોલીસ મારૂં લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરશે તો એ ભારત બહારનું જ મળશે. 6 લોકો વિસ્ફોટ કરશે અને સમગ્ર મુંબઈ ધણધણી ઉઠશે. ઓસામા બિન લાદેન, અજમલ કસાબ અને અયમાન અલ ઝવહિરી મરી ગયા તો શું થયું? તેમના જેવા બીજા ઘણાં છે.' 

આ મેસેજ વ્હોટ્સએપ પર મોકલાયો હોવાના અહેવાલ છે.

હાલ મુંબઈ પોલીસે આ ફોન કોલ મામલે તપાસ આરંભી છે. પોલીસ ખરેખર કોઈ આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે કે કોઈ વ્યક્તિએ મજાક કરી છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસને ઘણી વખત આ પ્રકારના હોક્સ કોલ પણ આવતા હોય છે. જોકે પોલીસ આ પ્રકારના દરેક કોલને સંપૂર્ણપણે ગંભીરતાથી લઈને તેની તપાસ કરતી હોય છે. 

તાજેતરમાં જ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને હત્યાની ધમકીના કોલ મળ્યા હતા. તેની તપાસ પરથી તે એક માનસિક બીમારનું કૃત્ય જણાયું હતું. 

વધુ વાંચોઃ મુકેશ અંબાણીને ધમકી આપનારા જ્વેલર્સને 20 ઓગસ્ટ સુધી કસ્ટડી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જરૂર પડે અન્ય તપાસ એજન્સીઓને પણ તપાસમાં જોતરવામાં આવશે અને તમામ એંગલથી તપાસ હાથ ધરાશે.