×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈમાં ટ્રાફિક જામના કારણે થાય છે 3% ડિવોર્સ, ફડણવીસના પત્નીના નિવેદનને લઈ વિવાદ, મેયર અકળાયા


- અમારા મામી નવું સંશોધન કરી રહ્યા છે, તેમના માટે વિશેષ બૌદ્ધિક શિબિરનું આયોજન થવું જોઈએ- શિવસેના પ્રવક્તા

મહારાષ્ટ્ર, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પોતાના નિવેદનો દ્વારા મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચામાં રહે છે ત્યારે હવે તેમના પત્નીએ મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું છે તેને લઈને રાજકારણ ગરમાયું છે. દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન દાવો કર્યો હતો કે, મુંબઈમાં થનારા કુલ ડિવોર્સમાંથી 3 ટકા કેસ પાછળ અહીં જે ટ્રાફિક જામ થાય છે તે જવાબદાર છે. 

અમૃતા ફડણવીસે કહ્યું હતું કે, હું પણ એક સામાન્ય નાગરિક છું અને દરરોજ યાત્રા કરૂં છું પરંતુ ટ્રાફિક જામ થવાના કારણે ખૂબ જ પરેશાન થઈ જઉં છું. તેમણે જણાવ્યું કે, મુંબઈમાં ભારે ટ્રાફિક જામમાં ફસાવાના કારણે લોકો પોતાના પરિવારને સમય નથી આપી શકતા.

આ મહાવિકાસ નહીં મહાવસૂલી સરકારઃ અમૃતા

અમૃતા ફડણવીસે આ દરમિયાન રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર પર પણ બરાબરનો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મહાવિકાસ નહીં પણ મહાવસૂલી સરકાર છે અને આવું ફક્ત હું જ નહીં આખી દુનિયા કહે છે. મુંબઈમાં એવા અનેક મુદ્દાઓ છે જેના પર સરકાર ધ્યાન નથી આપતી. મુંબઈમાં રસ્તા, ટ્રાફિક અને એસટી કર્મચારીઓની સમસ્યા છે. સરકારનું ધ્યાન આ બધાથી હટીને પોતાના ખીસ્સા ભરવામાં છે. 

મેયર કિશોરી પેડનેકરનો જવાબ

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અમૃતા ફડણવીસના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે કદી એવો દાવો નથી કર્યો કે, મુંબઈના રસ્તા સારા છે પરંતુ અમને જાણકારી મળે તે સાથે તરત જ અમે રસ્તાઓનું સમારકામ કરાવીએ છીએ. ટ્રાફિકજામના કારણે ડિવોર્સવાળું નિવેદન તદ્દન ખોટું છે. આ સાથે જ તેમણે પલટવાર કરતાં આરોપ લગાવ્યો હતો કે, ભાજપ હાલ મુંબઈને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

આ અમારા મામીનું નવું સંશોધન- શિવસેના પ્રવક્તા

અમૃતા ફડણવીસના આ નિવેદન મુદ્દે શિવસેનાના મહિલા નેતાઓએ મજાક ઉડાવી છે. શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યું હતું કે, 'લાગે છે કે, અમારા મામી નવું સંશોધન કરી રહ્યા છે. તેમના માટે વિશેષ બૌદ્ધિક શિબિરનું આયોજન થવું જોઈએ.'