×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈઃ 7 પેંગ્વિનની દેખભાળ માટે 15 કરોડનું ટેન્ડર, કોંગ્રેસનો શિવસેના પર સીધો વાર


- પેંગ્વિનનો વાડો 1,800 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં વોટર પૂલ, આવાસ ક્ષેત્ર, એર હેન્ડલિંગ યુનિટ અને કૂલિંગ સિસ્ટમ છે

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

મુંબઈના ભાયખલા ઝૂ ખાતે પેંગ્વિનની દેખભાળ માટે ભારે ખર્ચાને લઈ વિવાદ છેડાયો છે. કોંગ્રેસે 3 વર્ષ માટે 7 પેંગ્વિનની સંભાળ રાખવા 15 કરોડ રૂપિયાનું ટેન્ડર કાઢવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. સપ્ટેમ્બર 2018માં પેંગ્વિનની 3 વર્ષ સુધી દેખભાળ કરવા 11.5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે કોન્ટ્રાક્ટ આ મહિને ખતમ થઈ રહ્યો છે. તેવામાં હવે 15 કરોડનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઝૂના પ્રશાસકે જણાવ્યું કે, ખાદ્ય જેવી સુવિધાઓની કિંમતોમાં વધારો થયો હોવાથી ટેન્ડરમાં 5-10 ટકાનો વધારો થયો છે. 

BMC હોસ્પિટલ કરતા પેંગ્વિન પર વધારે ખર્ચ કરી રહી છેઃ કોંગ્રેસ

બીએમસીમાં વિપક્ષ નેતા રવિ રાજાએ જણાવ્યું કે, બીએમસી હોસ્પિટલ કરતા વધારે ખર્ચો તો પેંગ્વિન માટે કરી રહી છે. આટલું હાઈ મેઈન્ટેનન્સ યોગ્ય નથી. બીએમસીએ દેખભાળ માટે થતા ખર્ચાની સમીક્ષા કરવી જોઈએ. 5 વર્ષમાં બીએમસીએ દેખભાળ માટેની ક્ષમતાનો વિકાસ કરવો જોઈતો હતો. પેંગ્વિનની દેખભાળ માટેની જરૂરિયાતનો બચાવ કરતા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે, અગાઉ પણ આ મુદ્દે રાજકારણ થતું આવ્યું છે. 

તેમણે જણાવ્યું કે, પેંગ્વિન મુંબઈની એક વિશિષ્ટ ઓળખ અને ઝૂના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે. આ ખર્ચા નિશ્ચિત તાપમાનવાળા વાડાની જાળવણીને સંબંધિત હોય છે. મહામારી દરમિયાન ઝૂ બંધ હતું પરંતુ  ટૂંક સમયમાં જ લોકો તેને જોઈને આકર્ષિત થશે. જો ટેન્ડરમાં કોઈ અનાવશ્યક વૃદ્ધિ થઈ હશે તો તેઓ સમીક્ષા કરશે પરંતુ દેખભાળની ગુણવત્તામાં કોઈ સમજૂતી નહીં થાય. 

2016માં 8 પેંગ્વિન લાવવામાં આવેલા

પેંગ્વિનનો વાડો 1,800 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં વોટર પૂલ, આવાસ ક્ષેત્ર, એર હેન્ડલિંગ યુનિટ અને કૂલિંગ સિસ્ટમ છે. તે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની પરિયોજના હતી. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન મંત્રી છે. 2016માં વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનમાં 8 પેંગ્વિન લાવવામાં આવ્યા હતા. તેમાંથી એક મૃત્યુ પામ્યું હતું.