×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈઃ અનિલ દેશમુખને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, EDએ માગી હતી કસ્ટડી


- અગાઉ ઈડીએ અનિલ દેશમુખના દીકરા ઋષિકેશ દેશમુખને પુછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા

નવી દિલ્હી, તા. 06 નવેમ્બર, 2021, શનિવાર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને આજે સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જોકે ઈડી દ્વારા કસ્ટડીની માગ કરવામાં આવી હતી.

મની લોન્ડ્રિંગ કેસમાં પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 6 નવેમ્બર સુધી દેશમુખને ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવેલ. શનિવારે દેશમુખને સ્પેશિયલ હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન ઈડીએ તેમની કસ્ટડી માગી હતી પરંતુ કોર્ટે મનાઈ કરી દીધી હતી અને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે 12 કલાક સુધીની પુછપરછ બાદ અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન તપાસ એજન્સીને અનિલ દેશમુખ તરફથી કોઈ પણ સવાલના સંતોષજનક જવાબ નહોતા મળ્યા અને આખરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

અગાઉ ઈડીએ અનિલ દેશમુખના દીકરા ઋષિકેશ દેશમુખને પુછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા અને તેને પુછપરછ માટે ઈડીના કાર્યાલય બોલાવવામાં આવ્યો છે. 

ગત 25 ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહારથી વિસ્ફોટકો ભરેલી એક ગાડી મળી આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના ઓફિસર સચિન વાજેનું નામ સામે આવ્યું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે તે સમયના મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહની ટ્રાન્સફર કરી દીધી હતી અને તેમને હોમગાર્ડના ડીજી બનાવી દીધા હતા. બાદમાં પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી હતી અને એવો દાવો કર્યો હતો કે, અનિલ દેશમુખે ગૃહ મંત્રી તરીકે દર મહિને સચિન વાજેને 100 કરોડ રૂપિયાની માગણી કરી હતી.