×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માલ્યા, મોદી, ચોક્સીનું રૂ.22,586 કરોડનું કૌભાંડ


- ત્રણેય ભાગેડુઓની કુલ 18,000 કરોડની સંપત્તિ જપ્ત, 9371 કરોડ બેેંકોને પરત : ઇડી

- ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(ડીઆરટી)એ માલ્યાના ટાંચમાં લીધેલા યુનાઇટેડ બ્રેવરીઝના શેરો વેચી રૂ. 5824 કરોડ એક્ત્ર કર્યા

- અત્યાર સુધીમાં વસૂલાયેલા રૂ. 9371 કરોડ કૌભાંડની કુલ રકમના 40 ટકાથી વધુ

નવી દિલ્હી : નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાએ આચરેલી છેતરપિંડીને કારણે થયેલા નુકસાન પૈકી ૪૦ ટકાથી વધુ  નુકસાન વસુલ કરી લેવામાં આવ્યું છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇડીના જણાવ્યા અનુસાર ટાંચમાં લેવામાં આવેલા શેર વેચી દેવામાં આવવાથી ૫૮૦૦ કરોડ રૂપિયા રિકવર થયા છે. ે

એજન્સીના જણાવ્યા અનુસાર આ ત્રણેય ભાગેડું આરોપીઓની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિ વેચીને અત્યાર સુધીમાં ૯૩૭૧ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. જે આ ત્રણેયને કારણે થયેલા કુલ નુકસાન ૨૨,૫૮૬ કરોડ રૂપિયાના ૪૦ ટકાથી વધારે થાય છે. 

આ ઘટનાક્રમ અંગે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને ટ્વિટર પર જણાવ્યું છે કે ભાગેડું અને આર્થિક અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે અને આ સંપત્તિ વેચીને બાકી દેવાની રકમ વસૂલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 

આ ત્રણેય વિદેશમાં હોવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ) જેવી એજન્સીઓ તેમની વિરુદ્ધ ઝડપથી તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંનેએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ંમાલ્યા દ્વારા ૯૦૦૦ કરોડ રૂપિયાનું કિંગફિશર એરલાઇન્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આમ ત્રણેય દ્વારા સરકારી બેંકોને કુલ ૨૨,૫૮૬ કરોડ રૂપિયાનુૂ નુકસાન થયું હતું. 

ઇડીએ આ બંને કેસોમાં અત્યાર સુધી કુલ ૧૮,૧૭૦.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ટાંચમાં લેવામાં આવેલી આ સંપત્તિ પૈકી ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(ડીઆરટી)એ એસબીઆઇના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ વતી યુનાઇટેડ બ્રેવરીઝના ૫૮૨૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતાં. ૨૫ જૂન સુધીમાં વધુ ૮૦૦ કરોડના શેર વેચવામાં આવે તેવી શક્યતા છે. 

આ અગાઉ બેંકોએ માલ્યા વિરુદ્ધના કેસમાં આવી જ રીતે શેરો વેચીને ૧૩૫૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા અને નિરવ મોદી હાલમાં બ્રિટનમાં છે જ્યારે મેહુલ ચોકસી એન્ટિગુઆ અને બારબુડા હતો. ત્યારબાદ તે ત્યાંથી ગુમ થઇ ગયો હતો અને તે ડોમિનિકામાં જોવા મળ્યો હતો. 

ભાગેડું આર્થિક અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : નિર્મલા

સરકાર બેંકોની સાથે કરવામાં આવતી છેતરપિંડીમાં થયેલા નુકસાનની રકમ પરત મેળવવા માટે ભાગેડું આર્થિક અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેમ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું છે. ઇડીઅ માલ્યાના જપ્ત કરેલા શેરો વેચવાની કરેલી જાહેરાત પછી નાણા પ્રધાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ આજે જણાવ્યું હતું કે તેણે પીએમએલએ હેઠળ માલ્યાના  યુનાઇટેડ બ્રેવરીઝના શેર જપ્ત કર્યા હતાં. ડીઆરટીએ આજે આ શેર વેચતા ૫૮૦૦ કરોડ રૂપિયા મળ્યા છે.

મોદી-ચોકસીનું કૌભાંડ શું હતું? 

૧૩૫૦૦ કરોડ રૂપિયાનું પીએનબી કૌભાંડ દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ છે. તેનો મુખ્ય આરોપી નિરવ મોદી છે જે દેશ છોડીને ભાગી ગયો છે. આ કૌભાંડમાં નિરવ મોદીના મામા મેહુલ ચોકસીની પણ સંડોવણી છે. આ કૌભાંડમાં હીરાના ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકની મુંબઇની એક શાખામાંથી નકલી ગેરંટી લેટર(એલઓયુ) મેળવ્યો હતો અને તેના આધારે અન્ય બેંકો પાસેથી લોન મેળવી હતી. 

માલ્યાનું કૌભાંડ શું હતું? 

દેશ છોડીને ભાગી ગયેલા વિજય માલ્યાએ દેશની ૧૩ બેંકોને કુલ ૯૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડયુ છે. જે પૈકી સૌથી વધુ ૧૬૦૦ કરોડ રૂપિયાની લોન એસબીઆઇ પાસેથી લેવામાં આવી હતી. ત્યારબાદ પીએનબી પાસેથી ૮૦૦ કરોડ રૂપિયા, આઇડીબીઆઇ બેૈંક પાસેથી ૬૫૦ કરોડની લોન લીધી હતી. માલ્યા બેંકોની આ લોન ચૂકવ્યા વગર લંડન ભાગી ગયો છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણના પ્રયત્નો કરી રહી છે.