×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માર્ગરેટ અલ્વા વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર


નવી દિલ્હી, તા. 17 જુલાઈ 2022 રવિવાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ તરફથી ઉમેદવારનુ એલાન કરી દેવાયુ છે. વિપક્ષી દળોએ માર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કર્યા છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે માર્ગરેટ અલ્વાના નામનુ એલાન કર્યુ છે. માર્ગરેટ અલ્વા ગોવાના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

માર્ગરેટ અલ્વાનો જન્મ 14 એપ્રિલ 1942એ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ કર્ણાટકમાં જ પૂરો કર્યો. જે બાદ માર્ગરેટ કોંગ્રેસ સાથે જોડાયા અને કોંગ્રેસે તેમને રાજ્યસભા મોકલી દીધા. તેઓ અલગ-અલગ મંત્રાલયની સમિતિમાં પણ સામેલ રહ્યા. કોંગ્રેસે તેમને 1975માં પાર્ટીના મહાસચિવ પણ બનાવ્યા હતા. માર્ગરેટ અલ્વા કુલ ચાર વખત રાજ્યસભાના સભ્ય રહ્યા. જે બાદ 1999માં તેઓ લોકસભાના સભ્ય પસંદ કરાયા.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે મતદાન

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવાર 19 જુલાઈ સુધી પોતાનુ નામાંકન દાખલ કરી શકે છે. નામાંકનની તપાસ 20 જુલાઈએ થશે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન દાખલ કરનારા ઉમેદવાર પોતાનુ નામાંકન 22 જુલાઈ સુધી પાછુ લઈ શકશે.

દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પસંદ કરવા માટે 6 ઓગસ્ટે મતદાન થશે. ઉપરાષ્ટ્રપતિ પસંદ કરવા માટે 6 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ તે જ દિવસે મતગણતરી પણ થઈ જશે અને ચૂંટણીના પરિણામો પણ આવી જશે. 

દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુનો કાર્યકાળ પૂરો થવાના ચાર દિવસ પહેલા એ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ રહેશે. 

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પીએમ મોદીની હાજરીમાં થયેલી બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ધનખડના નામ પર મહોર લાગી હતી.