×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મારો ભાઈ ન તો ક્યારેય ડર્યો હતો, ન તો ક્યારેય ડરશે : સુરત કોર્ટના ચુકાદા બાદ પ્રિયંકા ગાંધીનું નિવેદન

image : Twitter


કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે સુરતનો કોર્ટે માનહાનિના કેસમાં ચુકાદો સંભળાવતા તેમને બે વર્ષની સજા જાહેર કરી હતી. તેમને જામીન પણ આપી દીધા હતા. આ મામલે આકરા પ્રહારો કરતાં કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે ડરી ગયેલી સત્તાની સંપૂર્ણ મશીનરી સામ, દામ, દંડ, ભેદ લગાવી રાહુલજીનો અવાજ દબાવવા પ્રયાસ કરી રહી છે. મારો ભાઈ ન તો ક્યારેય ડર્યો છે, ન તો ક્યારેય ડરશે. સત્ય બોલતા જીવ્યા છીએ અને સત્ય જ બોલતા રહીશું. સત્યની તાકાત અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે. 

સુરતની કોર્ટે સંભળાવ્યો ચુકાદો 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 2019માં દાખલ મોદી અટકવાળા લોકો પર ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ મામલે રાહુલને 2 વર્ષની સજા સંભળાવાઈ હતી. પછી કોર્ટે તેમને જામીન પણ આપી દીધા હતા. રાહુલ સામે આ કેસ તેમની એ ટિપ્પણીને લઇને કરાયો છે જેમાં તેમણે કથિત રૂપે કહ્યું હતું કે શું બધા ચોરોની અટક મોદી જ હોય છે? આ વિવાદિત નિવેદન સામે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી. 

રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીના કથન સાથે ટ્વિટ કરી કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કર્ણાટકના કોલારમાં આયોજિત એક જનસભામાં કરી હતી. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી વખતે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. સુરતની કોર્ટના ચુકાદા અંગે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી હતી. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ક્વૉટનો સંદર્ભ આપતા લખ્યું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય જ મારો ભગવાન છે. અહિંસા તેને મેળવવાનું સાધન. 

જયરામ રમેશે પણ કહ્યું કે અમે ડરવાના નથી 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ન્યૂ ઈન્ડિયા છે. અન્યાય વિરુદ્ધ અવાજ ઊઠાવશો તો ઈડી-સીબીઆઈ, પોલીસ-એફઆઈઆરના જાળમાં ફસાઇ જશો. રાહુલ ગાંધીને પણ સત્ય બોલવાની, સરમુખત્યારશાહી વિરુદ્ધ અવાજ ઊઠાવવાની સજા મળી રહી છે. દેશનો કાયદો રાહુલને અપીલની તક આપે છે. તે તેમના અધિકારનો ઉપયોગ કરતા રહેશે. અમે ડરવાના નથી. 

કેજરીવાલે કહ્યું - હું કોર્ટના ચુકાદાથી અસહમત

સુરતની કોર્ટના ચુકાદા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી પ્રત્યે સમર્થન દર્શાવતા ટ્વિટ કરી હતી કે બિન ભાજપ નેતાઓ અને પાર્ટીઓને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ સાથે મતભેદ છે પણ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવવા યોગ્ય નથી. કોર્ટનું સન્માન કરીએ છીએ પણ હું આ ચુકાદાથી અસહમત છું.