×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'મારો ન્યાય પરથી ભરોસો ઉઠી ગયો'- બિલ્કિસ બાનોની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે


- 2002ના ગોધરા કાંડ વખતે ટોળાએ 5 મહિનાના ગર્ભવતી બિલ્કિસ બાનો પર દુષ્કર્મ કરેલું અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા કરી હતી

નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવાર

ગુજરાત સરકારે ગત મંગળવારના રોજ 2002માં થયેલા ગોધરા કાંડ દરમિયાન બિલ્કિસ બાનો સાથે ગેંગરેપ કરનારા તમામ 11 દોષિતોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બિલ્કિસ બાનોનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. બિલ્કિસ બાનોએ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા તેના કારણે પોતાનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ ખળભળી ઉઠ્યો છે તેમ જણાવ્યું હતું. 

વધુ વાંચોઃ બિલકિસ બાનો રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને મુક્ત કરાયા

બિલ્કિસ બાનોએ જણાવ્યું કે, '2 દિવસ પહેલા, 15 ઓગષ્ટ 2022ના રોજ પાછલા 20 વર્ષની પીડા ફરી ઉભરી આવી. જ્યારે મેં સાંભળ્યું કે, જે 11 દોષિતોએ મારા પરિવાર અને મારી જિંદગીને તબાહ કરી નાખી હતી તથા મારી 3 વર્ષની દીકરીને મારા પાસેથી છીનવી લીધી હતી, તે આઝાદ થઈ ગયા છે.' 


વધુમાં જણાવ્યું કે, 'મારા પાસે કહેવા માટે શબ્દ નથી બચ્યા. હું સ્તબ્ધ છું. હું ફક્ત એટલું જ કહી શકું કે- કોઈ મહિલા માટે ન્યાય આ રીતે પૂરો કઈ રીતે થઈ શકે? મેં આપણાં દેશની સર્વોચ્ય કોર્ટ પર વિશ્વાસ મુક્યો, મેં સિસ્ટમ પર વિશ્વાસ મુક્યો અને હું ધીમે-ધીમે આ મોટા 'આઘાત' સાથે જીવવાની આદત પાડી રહી હતી. આ દોષિતોને મુક્તિ મળી એ કારણે મારા જીવનની શાંતિ છીનવાઈ ગઈ છે અને મારો ન્યાય પરથી વિશ્વાસ ડગમગી ગયો છે.'

બિલ્કિસ બાનોએ કહ્યું કે, 'મારી પીડા અને ડગમગી રહેલો વિશ્વાસ ફક્ત મારા પૂરતું નથી પરંતુ એવી દરેક મહિલા માટે છે જે કોર્ટમાં ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે. આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ મારી સુરક્ષા અને મારા સારા માટે ન વિચાર્યું. હું ગુજરાત સરકારને વિનંતી કરૂં છું કે, આ નિર્ણય પાછો લે. મને કોઈ પણ જાતના ડર વગર અને શાંતિથી જીવવાનો અધિકાર પાછો આપે.'

બિલ્કિસ બાનોએ સજા માફી નીતિ અંતર્ગત દોષિતોને મુક્ત કરવામાં આવ્યા તેના કારણે પોતાને લકવો મારી ગયો હોય તેવી પીડા થઈ રહી હોવાનું જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ બિલ્કિસ બાનો કેસ મામલે રાહુલ ગાંધીએ સાધ્યું વડાપ્રધાન મોદી પર નિશાન

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ક્ષમા નીતિ અંતર્ગત તમામ દોષિતોની મુક્તિને મંજૂરી આપી છે. મુંબઈમાં સીબીઆઈની એક વિશેષ કોર્ટે બિલ્કિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા કરવાના આરોપસર 21 જાન્યુઆરી 2008ના રોજ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની દોષસિદ્ધિ યથાવત રાખી હતી. 


જાણો શું બન્યું હતું

- 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ કોચને સળગાવી દેવાયો હતો. કારસેવકો તે ટ્રેન દ્વારા પરત આવી રહ્યા હતા અને આગજનીમાં 59 કારસેવકો હોમાઈ ગયા હતા. 

- ત્યાર બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા અને તોફાનોથી બચવા માટે બિલ્કિસ બાનો પોતાની બાળકી અને પરિવાર સાથે ગામ છોડીને ભાગ્યા હતા. 

- 3 માર્ચ 2002ના રોજ બિલ્કિસ બાનો અને તેમનો પરિવાર સંતાયો હતો ત્યાં 20-30 લોકોનું ટોળું હાથમાં તલવાર અને લાકડીઓ લઈને ધસી ગયું હતું અને હુમલો કર્યો હતો. 

- ટોળાએ બિલ્કિસ બાનો સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે બિલ્કિસ બાનોના પેટમાં 5 મહિનાનો ગર્ભ હતો. ઉપરાંત ટોળાએ તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા કરી નાખી હતી. તે સમયે અન્ય 6 સદસ્યો ત્યાંથી ભાગી ગયા હતા અને તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાતના રમખાણો અંગે અમિત શાહે કહ્યું કે, 60 લોકોને જીવતા સળગાવ્યા તેનો આક્રોશ હતો