×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની હશે, પંડિતોને ફરી કાશ્મીરમાં વસાવીશઃ ગુલામ નબી આઝાદ


નવી દિલ્હી,તા.4.સપ્ટેમ્બર,2022 રવિવાર

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે એક રેલીને સંબોધન કરીને કહ્યુ હતુ કે, મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની હશે.એવુ નામ જે હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ એમ તમામ લોકો સમજી શકે.મારી પાર્ટીનુ નામ અને ઝંડો જમ્મુ કાશ્મીરના લોકો નક્કી કરશે.

તેમણે કહ્યુ હતુ કે, હું દિલ્હીમાં બેસીને તમારા માટે ફરમાન નહીં જાહેર કરુ.મારી પાસે પાર્ટીના નામને લઈને ઘણા પ્રસ્તાવો આવ્યા હતા પણ મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની રહેશે અને તે બધા સમજી શકશે.

આઝાદે કહ્યુ હતુ કે, મારી વિધાનસભામાં ઉપરાજ્યપાલ નહીં પણ રાજ્યપાલ હશે.જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનુ મારુ પહેલુ કામ હશે.જમ્મુ કાશ્મીરના યુવાઓને રાજ્યમાં રોજગાર મળે તે હું જોઈશ.કાશ્મીરી પંડિતોને ફરી ખીણમાં વસાવવાનો પણ મારો એજન્ડા છે.

આઝાદે કહ્યુ હતુ કે, કાશ્મીરમાં પંડિતોનુ ટાર્ગેટ કિલિંગ બંધ થવુ જોઈએ.રોજગારીની તકો ઉભી કરવા માટે મારી પાસે ઘણી યોજનાઓ છે.જમ્મુ કાશ્મીરમાં પર્યટનની અઢળક તકો છે.જેટલા પણ નેતાઓ અને કાર્યકરો મારી સાથે જોડાયા છે તે સ્વેચ્છાએ જોડાયા છે.અમે રાજ્યમાં મહત્તમ રોજગારીની તકો ઉભી કરીશું અને આ જ અમારો એજન્ડા હશે.

આઝાદે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીને તેમની શહેનશાહી મુબારક.કોંગ્રેસ આજે જમીન પરથી ગાયબ છે.કોંગ્રેસ પાર્ટી છોડયા બાદ મારા માટે ઘણી અફવા ફેલાવવામાં આવી રહી છે.રાજકીય વિરોધીઓને મળવાથી કે તેમની સાથે વાતચીત કરવાથી કોઈનુ ડીએનએ બદલાતુ નથી.મારુ દિલ જમ્મુ કાશ્મીર માટે ધડકે છે.