×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માઈક્રો લોનના નામે યુઝર્સની પ્રાઈવસી અને ડેટા સાથે ચેડાં, ગુજરાત પોલીસે 419 ચાઈનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

Image : Wikipedia

અમદાવાદ, 24 માર્ચ 2023, શુક્રવાર

કોરોના મહામારી દરમિયાન માઈક્રો લેન્ડિંગ એપ્સની સંખ્યામાં ભારે વધારો થયો હતો. આ એપમાની મોટાભાગની એપ્સ ચાઈનીઝ છે અને હવે આ એપ્સ લોકોની પ્રાઈવસી અને ડેટા સાથે ચેડા કરી રહી છે. માઈક્રો લોન આપવાના નામે તમામ મોબાઈલ એપ્લીકેશન અને ડેટા એક્સેસ લીધા બાદ હવે તે ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગુજરાત સાયબર પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.  

પોલીસે લગાવ્યો એપ્લિકેશન પર પ્રતિબંધ

પોલીસના સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ માર્ચ 2022થી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર અત્યાર સુધી 932 ફરિયાદો નોંધાઈ છે. ચાઈનીઝ અને નેપાળી એપ દ્વારા લોકોના ડેટા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ માટે સાયબર ક્રાઈમે પગલાં લેતા 419 એપ્સ પર પ્રતિબંધ લગાવીને હટાવી દેવામાં આવી છે. પોલીસે આવી 885 મોબાઈલ એપ્લિકેશનની ઓળખ કરી લીધી હતી. આ ઉપરાંત બાકીની અન્ય ચીની એપ્લિકેશન પર ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે. પોલીસે જણાવ્યું કે આ એપ્સ હોંગકોંગ અને ચીનના અન્ય શહેરોમાં સર્વર પર હોસ્ટ કરવામાં આવી રહી છે. 

આ રીતે ડેટા મેળવતા હતા

ગુજરાત CID ક્રાઈમ વિભાગના સાયબર ક્રાઈમ વિંગના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે સાઈબર ઠગ લોકોને એક મેસેજ મોકલે છે કે જો તેઓ માઇક્રોલોન્સ લાભ મેળવવા ઈચ્છતા હોય તો મોબાઈલ એપ ડાઉનલોડ કરે. આ લોનની મંજૂરી મેળવવા માટે મોબાઈલ યુઝર્સે તેમના કોન્ટેક્ટ્સ, ઇમેજ, વીડિયો અને અન્ય તમામ ડિજિટલ કન્ટેન્ટ એક્સેસ કરવા માટે સંમતિ આપવી પડશે. સાયબર ઠગ મોબાઈલ યુઝર્સના ફોટા અને મેસેજ દ્વારા સ્કેન કરે છે. એકવાર તેમને ખાતરી થઈ જાય કે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે થઈ શકે છે તેઓ લોન અરજી સાથે આગળ વધે છે.

આ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા

પોલીસ અધિકારીએ કહ્યું કે સામાન્ય રીતે લોનની રકમ 15 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને તે રકમને 15થી 20 ટકા વ્યાજ પર આપવામાં આવે છે. જ્યારે લક્ષયાંક સમયસર રકમ પરત કરે છે ત્યારે ઠગ 20 હજાર રૂપિયાની લોન આપે છે અને પછી તેને વધારીને 30 હજાર રૂપિયા કરે છે. હવે પઠાણી ઉઘરાણી શરુ થાય છે. આ બાદ એપ્લિકેશનના હોસ્ટ ફોટા અથવા વિડિયોને મોર્ફ કરી તેમને ચૂકવણી કરવા દબાણ કરવા માટે વપરાશકર્તાની સંપર્ક સૂચિમાંના લોકોને મોકલે છે.

શું કહ્યુ પોલીસે ?

એપ્લિકેશન દ્વારા સાયબર છેતરપિંડી કરનારાઓ વપરાશકર્તાઓના મિત્રો અને પરિવારને બ્લેકમેલ, ગેરવસૂલી અને દુરુવ્યવ્હારમાં ફસાવે છે. પોલીસ અધિકારીએ કહ્યું જ્યારે પણ અમે ગૂગલને પ્લે સ્ટોરમાંથી ચાઈનીઝ એપ્સ હટાવવા માટે કહીએ છીએ ત્યારે તે કોઈ બીજા નામથી ફરી દેખાય છે. ઉદાહરણ તરીકે, જો GoRupee નામની એપ્લિકેશન કાઢી નાખવામાં આવે છે તો તે GoRupiya તરીકે ફરીથી આવી જશે.