×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહોતું, 21મું ટિફિન, પ્રેમજી, મોન્ટુની બિટ્ટુ ફેમ અભિનેત્રી હેપ્પી ભાવસારનું અવસાન


- હેપ્પી ભાવસારને એક મહિના પહેલા જ પોતાને લંગ કેન્સર હોવાની જાણ થઈ હતી અને ગત રોજ તબિયત ખરાબ થયા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા

અમદાવાદ, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર

ગુજરાતી સીરિયલ્સ, નાટકો, ફિલ્મ જગતના લોકપ્રિય કલાકાર, અભિનેત્રી હેપ્પી ભાવસારનું માત્ર 45 વર્ષની ઉંમરે ફેફસાંના કેન્સરના કારણે અવસાન થયું છે. 

2.5 મહિના પહેલા ટ્વિન્સ દીકરીઓને આપ્યો હતો જન્મ

હેપ્પી ભાવસાર જાણીતા ગુજરાતી એક્ટર, આરજે મૌલિક નાયક સાથે લગ્ન કર્યા હતા અને 2.5 મહિના પહેલા જ તેમણે ક્રિષ્ના અને ક્રિષન્વી નામની બે ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. તેમને એક મહિના પહેલાં જ પોતાના લંગ કેન્સર અંગે જાણ થઈ હતી. પહેલા સ્ટેજનું કેન્સર હોવાને કારણે પરિવારને આશા હતી કે તેઓ જલ્દી જ સાજા થઈ જશે. ગઈ કાલ સવારથી જ તેમની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 


અમદાવાદમાં જન્મેલા હેપ્પી ભાવસારે દૂરદર્શનની 'શ્યામલી' સીરિયલ દ્વારા કોમર્શિયલ ડેબ્યુ કર્યું હતું અને તેમનું પાત્ર લજ્જા ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું. ત્યાર બાદ તેમણે મારા સાજણજી અને મારી પાનખર ભીંજાઈ જેવી સીરિયલ્સમાં કામ કર્યું હતું. ઉપરાંત તેમણે રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક 'પ્રીત પિયુ ને પાનેતર'ના 500થી વધુ શો કર્યા હતા. 'પ્રીત પિયુ ને પાનેતર'માં હેપ્પી ભાવસારે જે મંગળાનું પાત્ર ભજવ્યું હતું તે એક સમયે તેમના મમ્મી પણ ભજવતા હતા.

હેપ્પી ભાવસારને મધુ રાય દ્વારા લખવામાં આવેલા અને અભિનય બેન્કરે ડિરેક્ટ કરેલા નાટક 'કોઈ પણ એક ફૂલનું નામ બોલો' તો માટે બેસ્ટ એક્ટ્રેસ અને નરસિંહ મહેતામાં 'મહેતી' ના નેગેટિવ રોલ માટે પણ એવોર્ડ મળ્યા હતા. તેઓ આકાશવાણી ઉપરાંત ઈ-લર્નિંગ પ્રોગ્રામ્સ માટે વોઈસ ઓવર પણ કરતા હતા.


સીરિયલ્સ અને નાટકો બાદ હેપ્પીએ વિજયગિરી બાવાની ફિલ્મ 'પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર'થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તે ફિલ્મ માટે તેમને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત તેમણે વિજયગિરી બાવા સાથે 'મહોતું' નામની શોર્ટ ફિલ્મ પણ કરી હતી. તેમણે '21મું ટિફિન', 'મોન્ટુ ની બિટ્ટુ' અને 'મૃગતૃષ્ણા' જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલું હતું.