×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહિલા કોંગ્રેસી નેતાને ફ્લાઈટમાં મળી ગયા સ્મૃતિ ઈરાની, ઈંધણની કિંમતો અંગે લીધા આડેહાથ


- સ્મૃતિ ઈરાની પણ આ સમગ્ર ઘટના પોતાના ફોનમાં રેકોર્ડ કરી રહ્યા હતા

- 'સિલિન્ડરેલા' (Cylinderella) તમે ક્યાં છો?: અન્ય એક કોંગ્રેસી નેતાનો કટાક્ષ

ગુવાહાટી, તા. 10 એપ્રિલ 2022, રવિવાર

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની રવિવારે ગુવાહાટી ખાતે રાજ્ય સરકારો અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના હિતધારકોની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરવા માટે ગુવાહાટી પહોંચ્યા હતા. જોકે દિલ્હીથી ગુવાહાટીની આ યાત્રા સ્મૃતિ ઈરાની માટે યાદગાર બની રહેશે. ફ્લાઈટમાં તેમનો ભેટો રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નેટા ડિસૂજા સાથે થઈ ગયો હતો. 

કોરોનાના ફટકા બાદ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે દેશની જનતા ચારે તરફથી પીસાઈ રહી છે. ત્યારે મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નેટા ડિસૂજાએ ફ્લાઈટમાં સ્મૃતિ ઈરાની સાથેની મુલાકાતનો દેશની જનતાનો અવાજ બનવા માટે ઉપયોગ કરી લીધો હતો. 

નેટા ડિસૂજાએ સ્મૃતિ ઈરાનીને સવાલ કર્યો હતો કે, ગેસ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને લોકો તેના કારણે પરેશાન થઈ રહ્યા છે. જોકે હાજરજવાબી સ્મૃતિ ઈરાનીએ તેનો જવાબ આપવાની સાથે વેક્સિનેશન પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત મહિલા કોંગ્રેસી નેતાની સાથે સ્મૃતિ ઈરાની પણ આ ઘટના પોતાના ફોનમાં રેકોર્ડ કરતા જોવા મળ્યા હતા. 

દેશમાં હાલ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની સાથે ઈંધણ અને ગેસની કિંમતો પણ આભને આંબી રહી છે ત્યારે સ્મૃતિ ઈરાની સાથે સંકળાયેલી એક જૂની ઘટના પણ યાદ આવી જાય છે. 

સ્મૃતિ ઈરાની રાંધણ ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય તેવી આ તસવીર 1 જુલાઈ 2010ની છે. તે સમયે સ્મૃતિ ઈરાની ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હતા. સ્મૃતિએ તે સમયે બંગાળના તત્કાલીન ભાજપ પ્રમુખ રાહુલ સિન્હા સાથે કોલકાતા ખાતે ધરણાં યોજ્યા હતા. આ તસવીર એ સમયની છે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી UPAની સરકાર હતી. 

કોંગ્રેસી નેતા શ્રીનિવાસ બીવીએ પણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થઈ રહેલા વધારા મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ટાર્ગેટ કર્યા છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને 'સિલિન્ડરેલા' (Cylinderella) તમે ક્યાં છો તેવો સવાલ કર્યો છે. 

ગુવાહાટી ખાતે યોજાયેલી બેઠકમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને નાગાલેન્ડ રાજ્યો સહભાગી બન્યા છે. તાજેતરમાં શરૂ કરવામાં આવેલા 3 મિશન- પોષણ 2.0, વાત્સલ્ય અને શક્તિની મહત્તમ અસર સુનિશ્ચિત કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશના દરેક ક્ષેત્રમાં રાજ્ય સરકારો અને હિતધારકો સાથે શ્રેણીબદ્ધ પરામર્શની શરૂઆત કરી છે.

ગુવાહાટીમાં ક્ષેત્રીય બેઠક શ્રેણીની આ ત્રીજી બેઠક છે. પ્રથમ બેઠક તા. 2 એપ્રિલના રોજ ચંદીગઢમાં અને બીજી તા. 4 એપ્રિલ, 2022ના રોજ બેંગલુરૂમાં યોજાઈ હતી.