×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં 2 અકસ્માત : મુંબઈ-નાસિકમાં બસ-ટ્રક વચ્ચે અથડામણ, કારમાં આગ લાગતા 3ના મોત

મુંબઈ, તા.29 મે-2023, સોમવાર

મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં બે જુદા-જુદા રોડ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. બુલઢાણા જિલ્લાના દેઉલગાંવ પાસે સમૃદ્ધિ હાઈવે પર ઝડપી ગતીએ આવી રહેલી કાર હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ છે. રેલિંગ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ છે, જેમાં કારમાં સવાર ત્રણેના મોત નિપજ્યા છે. તો બીજો અકસ્માત ઠાણે જિલ્લાના માલશેજ ઘાટ પાસે મુંબઈ-નાસિક હાઈવે પર થયો છે, જેમાં ટ્રક સાથે બસ અથડાતા ઓછામાં ઓછા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.

કારમાં રાખ્યું હતું ડિઝલ

બીબી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, સમૃદ્ધિ એક્સપ્રેસ પર સવારે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોને લઈ જઈ રહેલી કાર હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દરમિયાન કારમાંથી એક વ્યક્તિ તુરંત બહાર આવી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ અને કારની અંદર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો ત્રીજા વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે અધિકારીએ જણાવ્યું કે, પ્રારંભીક તપાસમાં કારમાં ડિઝલ રાખ્યું હોવાનું સામે આવ્યું છે.

મુંબઈ-નાસિક હાઈવે પર ટ્રક સાથે બસ અથડાઈ, 10 ઈજાગ્રસ્ત

બીજો અકસ્માત મુંબઈ-નાસિક હાઈવે પર થાણે ગ્રામીણ જિલ્લાના માલશેજ ઘાટ પર થયો હતો. અહીં એક બસ ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાને અહેવાલો છે. આ અકસ્માત થતા સ્થાનિક લોકો ભોગ બનેલાઓને બચાવવા તુરંત મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા

અગાઉ ગત બુધવારે પણ ઔરંગાબાદ જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પણ કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડિસેમ્બર-2022થી સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે શરૂ કરાયા બાદ આ વર્ષના એપ્રિલના અંત સુધીમાં આ હાઈવે પર કુલ 39 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 143 લોકો ઈજાગ્રસ્ત થયા છે.