×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું શું થશે ? 16 બળવાખોર ધારાસભ્યોના સસ્પેન્ડ પર કાલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

મુંબઈ, તા.10 મે-2023, બુધવાર

મહારાષ્ટ્રમાં ઘણા સમયથી ચાલી રહેલા રાજકીય ધમાસાણનો ટુંક સમયમાં અંત આવી શકે છે. સુપ્રીમ કોર્ટ આવતીકાલે ગુરુવારે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોના સસ્પેન્ડ પર ફેંસલો સંભળાવશે. ગત વર્ષે જૂન-2022માં એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યોએ શિવસેના સામે બળવો કર્યો હતો, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની MVA સરકાર પડી ભાંગી હતી.

બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ઉદ્ધ ઠાકરે જૂથે વિધાનસભાના ઉપાધ્યક્ષને અરજી કરી હતી, જેને એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને અરજી પર સ્ટેની માંગણી કરી હતી. એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે, કેટલાક ધારાસભ્યો દ્વારા પહેલાં જ ઉપાધ્યક્ષના નિર્ણય સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ચુક્યા છે. આવી સ્થિતિમાં તેઓ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં લગભગ 9 મહિના સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

શું છે ઠાકરે જૂથનો દાવો ?

ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં બંધારણની શેડ્યૂલ 10ને ટાંકીને દલીલ કરી હતી કે, જો ધારાસભ્યોનું જૂથ 2 તૃતીયાંશથી વધુ લોકો બળવો કરે છે, તો તેમને એક અથવા બીજા પક્ષમાં વિલીન થવું પડશે, પરંતુ એકનાથ શિંદે અને તેમના જૂથે આવુ ન કર્યું... તેથી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ. ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ સામે લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ પર ઉઠાવાયેલા સવાલને પણ ઠાકરે જૂથ અયોગ્ય જણાવ્યો છે.

શિંદે જૂથનો દાવો

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શિંદે જૂથના વકીલોએ કહ્યું કે, તેમના ધારાસભ્યોએ પાર્ટીમાં બળવો કર્યો નથી, તેઓ આજે પણ શિવસેનામાં છે અને અગાઉ પણ શિવસેનામાં હતા. તેથી બંધારણની 10મી શેડ્યૂલને ટાંકીને તેમને કાઢી મુકવાની કરાયેલી માંગ તથ્ય વગરની છે. શિંદે શિવસેના પાર્ટીના વિધાનસભામાં ગ્રુપ લીડર છે. તેમની પાસે બહુમતી છે, તેથી ઉદ્ધવ ઠાકરેએ કોરમ પૂરો કર્યા વગર ગેરકાયદે ધારાસભ્યોને દૂર કરવાનો પ્રયાસ કર્યો.

આ 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ

અરજીમાં એકનાથ શિંદે, ભરતશેટ ગોગાવલે, સંદિપાનરાવ ભુમરે, અબ્દુલ સત્તાર, સંજય શિરસાટ, યામિની જાધવ, અનિલ બાબર, બાલાજી કિણીકર, તાનાજી સાવંત, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનાવણે, ચિમણરાવ પાટીલ, રમેશ બોરનારે, સંજય રાયમૂલકર અને બાલાજી કલ્યાણકરને ગેરલાયક ઠરાવવાની માંગ કરવામાં આવી છે.