×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં વિભાગોના વિસ્તરણને લઈ વિવાદ : અજિત પવારે નાણાં મંત્રાલય માંગતા શિંદે જૂથને પડ્યો વાંધો

મુંબઈ, તા.04 જુલાઈ-2023, મંગળવાર

મહારાષ્ટ્ર્માં રવિવારથી શરૂ થયેલું રાજકીય મહાયુદ્ધ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. અજિત પવારે શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ શરદ પવાર તરફથી અજિત સહિત 8 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અરજી દાખલ કરાઈ છે. ત્યારે અજિત સાથે જોડાયેલા 2 ધારાસભ્યો શરદ કેમ્પમાં પરત ફર્યા છે. આ ઘટનાક્રમ વટ્ટે શરદ પવારે સાંસદ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે, તો અજિતે પણ નવી ટીમની જાહેરાત સાથે નવા ગઠબંધનની પણ જાહેરાત કરી દીધી છે. અજિત પવારે સુનીલ તટકરેને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, તો અજિતે NCP-ભાજપ-શિવસેનાના નવા ગઠબંધનનું નામ પણ મહાયુતી રાખ્યું છે. દરમિયાન આ બધી ઘટનાઓ વચ્ચે મહારાષ્ટ્ર્માં વિભાગોના વિસ્તરણને લઈ વિવાદ સામે આવ્યો છે. મળતા અહેવાલો મુજબ અજિત પવાર અને શિંદે જૂથ વચ્ચે વિભાગની વહેંચણી મુદ્દે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં મંત્રાલયના વિસ્તરણ અંગે વિવાદ

મહારાષ્ટ્રમાં મંત્રાલય વિસ્તરણને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નાણાં વિભાગની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માટે શિંદે જૂથ બિલકુલ તૈયાર નથી. અજિત પવારે નાણાં વિભાગ ઉપરાંત ઉર્જા અને સિંચાઈ વિભાગની પણ માંગ કરી છે.

એક જ દિવસે અજિત અને શરદ પવારે બેઠક બોલાવી

નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આવતીકાલે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, તો શરદ પવાર તરફથી પણ આવતીકાલે બેઠક યોજવાની જાહેરાત કરાઈ છે. દરમિયાન અજિત પવારે તમામ NCP સાંસદો, ધારાસભ્યો અને MLC, જિલ્લા વડાઓ અને અન્ય સભ્યોને 5 જુલાઈએ બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક MET બાંદ્રા ખાતે યોજાશે. બીજી તરફ શરદ પવારે પણ 5 જુલાઈએ જ NCPની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય સુનીલ પ્રભુએ વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. સુનીલ પ્રભુનું કહેવું છે કે કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપવો જોઈએ.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષનો મોટો દાવો

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, હજુ સુધી તેમને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની કોઈ નોટિસ મળી નથી. જો મામલો મારી પાસે આવશે તો નિયમ મુજબ કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષને વિપક્ષના નેતાની નિમણૂક કરવાનો અધિકાર છે અને અત્યાર સુધી કોઈએ દાવો કર્યો નથી.

અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનનું નામ ‘મહાયુતિ’ રાખ્યું

દરમિયાન અજિત પવારે ગઈકાલે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ‘મહાયુતિ’ રાખવામાં આવ્યું છે. તો બીજીતરફ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષના નામના પ્રશ્નના જવાબમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર - શું તમે ભૂલી ગયા છો કે, શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે... 

અજિતે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવ્યા

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ અટક્યો નથી. રવિવારે મોટી ઉથલપાથલ બાદ NCPના બંને જૂથ (શરદ અને અજીત) વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ શરદ પવારની NCPએ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ NCP પાર્ટી પર દાવો કરનારા અજિત પવાર જૂથે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે.

બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલે મોટો દાવો કરતાં કહ્યું કે શરદ પવાર જૂથને 44 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલ અજિત પવાર માટે મોટા આંચકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો છોડીને ગયા હતા તે પાછા આવી ગયા છે.