×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ! અજિત પવાર જૂથના બધા MLAને મુંબઈની હોટેલમાં શિફ્ટ કરાયા


NCPના બંને જૂથોના શક્તિ પ્રદર્શન અને સામાન્ય સભા બાદ હવે લડાઈ ચૂંટણી પંચના ઉંબરે પહોંચી ગઈ છે. અજિત પવારના જૂથે પંચનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની પાસે પક્ષના બહુમતી ધારાસભ્યોનું સમર્થન છે. તેથી તેમના જૂથને પક્ષનું નામ અને નિશાન ફાળવવામાં આવે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે 40 ધારાસભ્યો, MLC અને સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે.

અજિત પવારને NCPના પ્રમુખ તરીકે નામાંકિત કરવામાં આવ્યા

આ વચ્ચે અજિત પવાર જૂથના તમામ ધારાસભ્યોને મુંબઈની એક હાઈપ્રોફાઈલ હોટલમાં રાખવામાં આવ્યા છે. જો કે તેમના હસ્તાક્ષરિત એફિડેવિટ ચૂંટણી પંચને સોંપવામાં આવ્યા છે. ચૂંટણી પંચને સુપરત કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર આશ્ચર્યજનક રીતે શાસક ગઠબંધનમાં નાયબ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં જ અજિત પવારને 30 જૂનના રોજ NCPના પ્રમુખ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ વચ્ચે શરદ પવાર જૂથે ચૂંટણી પંચમાં કેવિએટ પિટિશન પણ દાખલ કરી છે અને માંગણી કરી છે કે આ મામલે કોઈ આદેશ આપતા પહેલા તેમની બાજુ પણ સાંભળવી જોઈએ. અજિત પવારે પોતાના દાવાના સમર્થનમાં આયોગને કેટલાક ધારાસભ્યોના સોગંદનામા પણ આપ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં શરદ પવારે પોતાના સમર્થકોને કહ્યું કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ અમારી પાસે જ છે.

બંને પક્ષોએ ગઈકાલે બેઠક બોલાવવામાં આવી હતી

બંને પક્ષો દ્વારા ગઈકાલે મુંબઈમાં બે અલગ-અલગ જગ્યાએ બોલાવવામાં આવેલી બેઠકમાં અજિત પવારના સમર્થનમાં 32 ધારાસભ્યો પહોંચ્યા હતા જ્યારે શરદ પવારની બેઠકમાં 14 ધારાસભ્યો હાજર હતા. NCP પાસે કુલ 53 ધારાસભ્યો છે. હવે નંબર્સની રમતમાં પાછળ પડ્યા બાદ, શરદ પવારે નવી દિલ્હીમાં પાર્ટીની એક્ઝિક્યુટિવ બેઠક બોલાવી છે, જેમાં NCPના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલે પણ હાજરી આપશે.  NDAમાં અજિત પવારના જૂથના જોડાવાથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના શિવસેનાના ધારાસભ્યોમાં પણ ભારે બેચેની સર્જાઈ છે. મુખ્યમંત્રીએ તેમની તમામ નિમણૂકો રદ કરી હતી અને ગઈકાલે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને પક્ષની તાકીદની બેઠક બોલાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્યોએ જોડાણ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે સેનાના સ્થાપક બાલ ઠાકરે ક્યારેય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવ્યા ન હોત.