×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં કોરોનાનું પુનરાગમન મધ્યપ્રદેશનાં 8 શહેરોમાં રાત્રિ પ્રતિબંધ


24495 નવા કેસ, 131નાં મોત : નાગરિકો સાવધાન રહો !

ભારતમાં 'સ્પૂતનિક-વી' રસીના 25.2 કરોડ ડોઝ તૈયાર કરાશે, ભારતે 71 દેશોને 5.86 કરોડ ડોઝ આપ્યા

સરકાર કોવિશીલ્ડના વધુ 10 કરોડ ડોઝ ખરીદશે, એક ડોઝ પાછળ 157નો ખર્ચ થવાની શક્યતા

ભોપાલ : દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે અને કેસો ઝડપથી પાછા વધવા લાગ્યા છે. જેને પગલે હવે કેટલાક રાજ્યોમાં રાત્રી કરફ્યૂની સિૃથતિ ઉભી થઇ ગઇ છે.

મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદોરમાં નાઇટ કરફ્યૂ લાદી દેવાયો છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના આઠ મોટા શહેરોમાં રાત્રે બજારોને 10 વાગ્યા પછી બંધ કરી દેવાના આદેશ જાહેર કરાયા છે. બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 24492 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ 131 લોકોના મોત નિપજ્યા છે. 

હાલ મહારાષ્ટ્રના નાગપુર, પૂણે, અકોલા જેવા શહેરોમાં પહેલા જ પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. આ રીતે મધ્ય ભારતનો એક મોટો હિસ્સો કોરોનાની લપેટમાં ફરી આવી ગયો છે. ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કેસોની સંખ્યા વધવા લાગી છે. એવામાં રસીના ઉત્પાદનનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.

આ સિૃથતિ વચ્ચે ગ્લેંડ ફાર્મા લિ. દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) સાથે ડીલ કરાઇ છે. જે મુજબ કંપની દ્વારા કોરોનાની સ્પૂતનિક વી કોવીડ-19 રસીના 252 મિલિયન ડોઝ તૈયાર કરવામાં આવશે. જે સાથે જ ભારતમાં રસીના ડોઝના કુલ ઉત્પાદનની સંખ્યા 325 મિલિયન સુધી પહોંચી જશે.

નવા 24492 કેસો સાથે ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.14 કરાડને પાર પહોંચી ગઇ છે. જ્યારે વધુ 131ના મોત સાથે મૃત્યુઆંક પણ વધીને હવે 1,58,856એ પહોંચ્યો છે. સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે દેશમાં એક્ટિવ કેસો 2.23,432 છે જે અગાઉ ઘણા ઓછા હતા અને તેની ટકાવારી હવે 1.96 ટકા છે.

રીકવરી રેટ પણ ઘટી ગયો છે અને 96.65 ટકાએ પહોંચ્યો છે. છેલ્લે 20મી ડિસેમ્બરે કોરોનાના નવા કેસોની સંખ્યા 26624 હતી. જે બાદ આ સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે. જ્યારે સોમવારે દેશભરમાં એક જ દિવસમાં 30 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી જે અત્યાર સુધીમાં દૈનિક ડોઝમાં સૌથી વધુ છે.

15 દિવસમાં 60 વર્ષથી વધુ વયના એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામા આવી છે.  બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસની બીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોવાનું કેન્દ્રીય ટીમના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને પગલે મહારાષ્ટ્રમાં વધુ કેટલાક આકરા પ્રતિબંધો મુકાવાની શક્યતાઓ છે.

રાજ્યસભામાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ મુજબ રસીના ભારતીય ઉત્પાદકો દ્વારા મેડ ઇન ઇન્ડિયા રસીના 5.86 કરોડ ડોઝ 71 દેશોમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં કેટલાક ગ્રાન્ટ તો કેટલાક કમર્સિયલ હેતુથી આપવામાં આવ્યા છે. જ્યારે ભારતમાં હાલ અપાઇ રહેલી કોવિશીલ્ડ રસીના વધુ 10 કરોડ ડોઝ ખરીદવામાં આવશે તેમ સરકારે જણાવ્યું હતું જેનો ખર્ચ પ્રત્યેક ડોઝનો 157.50 રૂપિયા થશે. 

મહારાષ્ટ્રને દર અઠવાડિયે 20 લાખ ડોઝ પૂરા પાડવા કેન્દ્રને અનુરોધ

કોરોનાના દરદીઓની સંખ્યામાં ફરીથી આવેલા ઉછાળાને નાથવા  માટે મહારાષ્ટ્રને દર અઠવાડિયે 20 લાખ કોવિડ વેક્સિનના ડોઝ પૂરા પાડવાનો રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને અનુરોધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે રસીકરણ વધુ વેગવાન બનાવી શકાય માટે કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને કોવિડ  વેક્સિનનો વધુ પુરવઠો આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના મુકાબલા માટે થઇ રહેલી કામગીરીથી કેન્દ્ર સરકાર સંતુષ્ઠ નથી એ સાચી વાત છે ? એમ પૂછવામાં આવતા આરોગ્ય પ્રધાન ટોપેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્ર તરફથી અપાતી તમામ સૂચનાઓનું પાલન કરે છે. હવે રસીકરણની કામગીરી ઝડપી બનાવવા માટે પુરતા પ્રમાણમાં રસીના ડોઝ ફાળવવામાં આવે એ જ અમે ભારપૂર્વક માગણી કરી રહ્યા છીએ.