×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રઃ મુસ્લિમોના અનામત પર ઘમાસણ, હાજી અલી દરગાહના ટ્રસ્ટીએ કહ્યું- 5 ટકાના સપના દેખાડવા યોગ્ય નથી


- અનેક આયોગ તથા સમિતિની ભલામણો બાદ કોંગ્રેસ સરકારમાં 2014 દરમિયાન મુસ્લિમ સમાજ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 02 જુલાઈ, 2021, શુક્રવાર

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત બાદ હવે મુસ્લિમ અનામતને લઈ ઘમસાણ છેડાયું છે. હાજી અલી દરગાહના ટ્રસ્ટી સુહૈલ ખંડવાણીના નિવેદન બાદ આ પ્રકારે ઘમાસણ મચ્યું છે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમોને રાજ્યમાં શિક્ષણ અને નોકરીમાં 5 ટકાની અનામત નથી જોતી. જો સરકાર ખરેખર મુસ્લિમોનું હિત ઈચ્છતી હોય તો ભારતીય બંધારણના ક્ષેત્રમાં રહીને મુસ્લિમોને અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવે. જોકે આ નિવેદનને લઈ મુસ્લિમ સમાજ સાથે સંકળાયેલા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક મુસ્લિમો નેતાઓએ તેને ખંડવાનીનું અંગત મંતવ્ય ગણાવ્યું હતું. 

જાણવા મળ્યા મુજબ ખંડવાનીએ મુસ્લિમ અનામતને લઈને રમાઈ રહેલા રાજકારણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો 50 ટકાથી વધારે અનામત ન હોઈ શકે તો મુસ્લિમોને 5 ટકાની વધારાની અનામતનું સપનું દેખાડવું યોગ્ય નથી. સરકારે નક્કી કરવું જોઈએ કે, કઈ રીતે 50 ટકા અનામતમાં જ મુસ્લિમ સમાજનું ઉત્થાન કરી શકાય. મુસ્લિમ સમાજ પણ 5 ટકા અનામત માટે પોતાની ઉર્જા અને સમય નષ્ટ ન કરે. તેમણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, 27 ટકા ઓબીસી અનામતમાં તેમને કઈ રીતે ભાગ મળશે. 

આ મુદ્દે રાજ્યના પૂર્વ મંત્રી મોહમ્મદ આરિફ નસીમ ખાને પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મુસ્લિમોને 5 ટકા અનામતને લઈ આ ખંડવાનીનું અંગત મંતવ્ય છે. અનેક આયોગ તથા સમિતિની ભલામણો બાદ કોંગ્રેસ સરકારમાં 2014 દરમિયાન મુસ્લિમ સમાજ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. હાઈકોર્ટે પણ મુસ્લિમ સમાજને અનામત માટે મંજૂરી આપી હતી. મુસ્લિમોને ધર્મના આધારે નહીં પરંતુ પછાતપણાના આધારે અનામત અપાઈ હતી. 

માનખુર્દ શિવાજી નગરના ધારાસભ્ય અબૂ આસિમ આજમીએ પણ મુસ્લિમોને અનામત ન મળવાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે આર્થિક પછાતપણાના આધાર પર મુસ્લિમ સમાજની દરેક જાતિ માટે અનામતની માગણી કરી રહ્યા છીએ. બોમ્બે હાઈકોર્ટ પણ 5 ટકા અનામતને લઈ નિર્ણય સંભળાવી ચુકી છે. કોંગ્રેસ અને એનસીપીની સરકારે આ અનામતી જોગવાઈ કરી હતી. આ સંજોગોમાં તેમણે બહાનાબાજી મુકીને મુસ્લિમ અનામત માટે યોગ્ય પગલા ભરવા જોઈએ.