×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહાભારતના 'ભીમ'નુ નિધન, અંતિમ દિવસોમાં આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હતા પ્રવીણ કુમાર સોબતી


મુંબઈ, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર

બીઆર ચોપડાના મશહૂર સીરિયલ મહાભારતમાં ભીમનુ પાત્ર નિભાવનાર શાનદાર એક્ટર પ્રવીણ કુમાર સોબતીનુ નિધન થઈ ગયુ છે. પ્રવીણ કુમારે 74 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. પ્રવીણ કુમારના નિધનના સમાચારથી દરેક આઘાતમાં છે. પ્રવીણ કુમાર સોબતીનુ નિધન દિલ્હીમાં થયુ છે. તેમના અંતિમ સંસ્કાર આજે પંજાબી બાગ સ્થિત સ્મશાન ઘાટ પર કરાશે.

પ્રવીણ કુમાર સોબતીએ એક્ટિંગ જ નહિ પરંતુ રમતની દુનિયામાં પણ ખૂબ નામ કમાયું હતું. પંજાબ સાથે જોડાયેલા પ્રવીણ કુમારે બોલીવુડની ઘણી ફિલ્મોમાં મુખ્ય રોલ પણ ભજવેલ હતો. ફિલ્મોમાં અવારનવાર તેઓ વિલનની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. ખેલથી લઈને એક્ટિંગના ક્ષેત્રમાં પ્રવીણ કુમારે હંમેશા પોતાનું 100 ટકા આપવાની કોશિશ કરી હતી તેમજ દરેક વાર તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી. 

આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા 

પોતાના કદ કાઠીને કારણે પ્રવીણ કુમાર સોબતી લોકો વચ્ચે પ્રસિદ્ધ હતા તથા મહાભારત માટે ભીમના રોલમાં તેમને એ પ્રકારે જીવ ફૂંક્યો હતો કે લોકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે નિધન પહેલા પ્રવીણ કુમાર સોબતી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તથા લાંબા સમયથી તેઓ બીમાર પણ હતા. 

રમતની દુનિયામાં પણ કમાયું નામ 

એક્ટિંગમાં આવતા પહેલા પ્રવીણ કુમાર સોબતી એથલીટ હતા. તેમણે એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરાયા હતા. રમતની દુનિયામાં નામ કમાયા બાદ તેમણે સીમા સુરક્ષા બળ(BSF) ની નોકરી પણ કરી હતી.