×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહાત્મા ગાંધીની પ્રપૌત્રીએ કર્યું એવું ફ્રોડ કે થઈ 7 વર્ષની જેલની સજા


- લતાએ સંભવિત રોકાણકારોને નકલી બિલ અને દસ્તાવેજો પ્રદાન કર્યા

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને છેતરપિંડી અને બનાવટના કેસમાં સજા ફટકારવામાં આવી છે. 56 વર્ષીય આશીષ લતા રામગોબિન ઉપર 60 લાખ કરતા પણ વધારે રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. દક્ષિણ આફ્રિકાની ડરબન કોર્ટે તેમને આ મામલે 7 વર્ષની સજા ફટકારી છે. 

ઉલ્લેખનીય છે કે, લતા રામગોબિન પ્રખ્યાત એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોબિંદની દીકરી છે. લતા પર બિઝનેસમેન એસઆર મહારાજ સાથે ફ્રોડ કર્યાનો આરોપ છે. ડરબન સ્પેશિયલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટ દ્વારા તેમને સજાની અપીલ કરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દેવામાં આવી છે. 

2015ના વર્ષમાં લતા રામગોબિન વિરૂદ્ધ કેસની સુનાવણી શરૂ થઈ હતી. રાષ્ટ્રીય અભિયોજન પ્રાધિકરણ (એનપીએ)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીના કહેવા પ્રમાણે લતાએ સંભવિત રોકાણકારોને નકલી બિલ અને દસ્તાવેજો પ્રદાન કર્યા હતા. આ રીતે તે રોકાણકારોને એવો વિશ્વાસ અપાવવા માંગતા હતા કે, લિનનના 3 કન્ટેનર્સ ભારતથી મોકલવામાં આવી રહ્યા છે. 

તે સમયે લતાને 50,000 રૈંડ એટલે આશરે 2.70 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવી હતી. સોમવારની સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે, ઓગષ્ટ 2015માં લતા ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રીબ્યુટરના ડિરેક્ટર મહારાજને મળી હતી. 

આ કંપની કપડા, લિનન અને જૂતા વગેરેનું આયાત, નિર્માણ અને વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓને પ્રોફિટ શેરના આધારે ફાઈનાન્સ પણ પ્રદાન કરે છે. લતાએ મહારાજને જણાવ્યું હતું કે, તેણે દક્ષિણ આફ્રિકી હોસ્પિટલ ગ્રુપ નેટકેર માટે ભારતથી લિનનના 3 કન્ટેનર આયાત કર્યા છે. એનપીએના પ્રવક્તા નતાશા કારાએ કોર્ટની સુનાવણી દરમિયાન કહ્યું કે, લતાએ મહારાજને એવું કહ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ સારી નથી માટે તેમને આયાતનું મૂલ્ય અને સીમા શુલ્ક ચુકવવામાં મુશ્કેલી પડી રહી છે તથા પોર્ટ પર માલ ક્લિયર કરાવવા પૈસાની જરૂર છે. 

લતાએ મહારાજ પાસેથી 62 લાખ રૂપિયા લીધા હતા. લતાની પારિવારિક શાખ અને નેટકેર દસ્તાવેજોના કારણે મહારાજે તેમના સાથે લોન માટેના લેખિત સમજૂતી કરી લીધી હતી. લતાએ પણ નેટકેર બિલ અને ડિલિવરી નોટ દ્વારા મહારાજને પેમેન્ટ થઈ ગયું હોવાનું કહ્યું હતું. 

પરંતુ જ્યારે મહારાજને ખબર પડી કે તે દસ્તાવેજો નકલી હતા તો તેમણે લતા વિરૂદ્ધ કેસ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, લતા 'ઈન્ટરનેશનલ સેન્ટર ફોર નોન વાયોલન્સ' એનજીઓની સંસ્થાપક અને કાર્યકારી નિદેશક છે. તેના કહેવા પ્રમાણે તે એક એક્ટિવિસ્ટ છે અને ખાસ કરીને પર્યાવરણ, સામાજીક અને રાજકીય મુદ્દે સક્રિય છે. 

મહાત્મા ગાંધીના અન્ય કેટલાક વંશજો પણ માનવાધિકાર કાર્યકર્તા છે. તેમાં લતાના પિતરાઈ ભાઈ કીર્તિ મેનન, સ્વર્ગીય સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયાનો સમાવેશ થાય છે. લતાના માતા ઈલા ગાંધીને તેમના પ્રયત્નોને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળેલી છે. ઈલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશોનું રાષ્ટ્રીય સન્માન મળેલું છે.