×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહંત નરેન્દ્ર ગિરિનું પોસ્ટમોર્ટમ પૂરૂ, પાર્થિવ શરીર હોસ્પિટલ લઈ જવાયું, આપવામાં આવશે ભૂસમાધિ


- મહંત આનંદ ગિરિ, આદ્ય તિવારી અને તેના દીકરા સંદીપ તિવારી ત્રણેયની એકસાથે મંદિરના ફાળામાં ગરબડ મામલે પુછપરછ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2021, બુધવાર

મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ બાદ આજે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બુધવારે બપોરે 12:00 કલાકે તેમને ભૂસમાધિ આપવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષનો દેહ પ્રયાગરાજ ખાતે શંકાસ્પદ સ્થિતિમાં રૂમમાં ફંદા સાથે લટકતો મળી આવ્યો હતો. 

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને બાઘંબરી ગાદીના મહંત નરેન્દ્ર ગિરિ મહારાજના પાર્થિવ શરીરને સમાધિ આપતા પહેલા સ્નાન કરાવવા માટે સંગમ લઈ જવામાં આવશે. આ માટે સંગમ નોજ પર તૈયારીઓ ચાલી રહી છે. મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ શરીરને સંગમ સ્નાન કરાવ્યા બાદ લેટે હનુમાન મંદિર પણ લઈ જવામાં આવશે. નરેન્દ્ર ગિરિ તે મંદિરના જ મહંત હતા. ત્યાર બાદ તેમના પાર્થિવ શરીરને પાછું બાઘંબરી મઠ લાવવામાં આવશે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે સમાધિ આપવામાં આવશે. 


સવારે 10:00 કલાકે પ્રયાગરાજ ખાતે પોસ્ટમોર્ટમનિ કાર્યવાહી પૂરી થઈ હતી અને સમગ્ર કાર્યવાહીમાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

પોલીસે નરેન્દ્ર ગિરિના મૃત્યુ મામલે આશરે 12 કલાક સુધી આનંદ ગિરિની પુછપરછ કરી હતી. પોલીસે આદ્ય તિવારી, આનંદ ગિરિને સામસામે બેસાડીને પુછપરછ કરી હતી. આ દરમિયાન સ્યુસાઈડ નોટ, હેન્ડ રાઈટિંગને લઈ સવાલો થયા હતા. 

પુછપરછ દરમિયાન આનંદ ગિરિએ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાની વાત કરી હતી અને પોતાને મહંતજી સાથે કોઈ વિવાદ ન હોવાનું જણાવ્યું હતું. મહંત આનંદ ગિરિ, આદ્ય તિવારી અને તેના દીકરા સંદીપ તિવારી ત્રણેયની એકસાથે મંદિરના ફાળામાં ગરબડ મામલે પુછપરછ કરવામાં આવી હતી. યુપી પોલીસે હરિદ્વાર આશ્રમથી આનંદ ગિરિના લેપટોપ, ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને પણ કબજામાં લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. સાથે જ ગનર અજય સહિત સુરક્ષામાં તૈનાત 4 પોલીસ કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી હતી. 

સ્યુસાઈડ નોટના દરેક પાને અલગ લખાણ શૈલી

પૂર્વ સાંસદ અને સંત રામ વિલાસ વેદાંતીએ સ્યુસાઈડ નોટ નરેન્દ્ર ગિરિએ ન લખી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે તેઓ રામ મંદિર આંદોલનમાં સાથે હતા ત્યારથી નરેન્દ્ર ગિરિને ઓળખે છે. તેમણે કદી નરેન્દ્ર ગિરિને આટલું લખતા નહોતા જોયા. પત્રના દરેક પાને અલગ હેન્ડરાઈટિંગ છે. તેમણે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માગણી કરી હતી. તેમના કહેવા પ્રમાણે નરેન્દ્ર ગિરિ કદી આત્મહત્યા ન કરી શકે. આ વાત તેમના ગળે નથી ઉતરી રહી. આના પાછળ કોઈ ષડયંત્ર જણાઈ રહ્યું છે.