×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મસ્જિદ તોડવામાં આવશે તો તમારા હોદ્દા-કાર્યાલયો સુરક્ષિત નહીં રહે, પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટને ધમકી


- તેઓ મસ્જિદને તોડવાનો આદેશ પછી આપે, પહેલા પાકિસ્તાનના પેટ્રોલ પંપ, શાળાઓ અને સૈનિક છાવણીઓને તોડવાનો આદેશ આપેઃ મૌલાના

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2021, શુક્રવાર

પાકિસ્તાનાં એક મસ્જિદને તોડી પાડવા મામલે સુપ્રીમ કોર્ટના આદેશને લઈ કોર્ટને જ ધમકી આપવામાં આવી છે. જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફજલ (JUI-F) સિંધના મહાસચિવ મૌલાના રાશિદ મહમૂદ સૂમરોએ બુધવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદ અને સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહને કરાચી ખાતે ગેરકાયદેસરરૂપે બનાવવામાં આવેલી મસ્જિદોને ધ્વસ્ત કરવાના આદેશને લાગુ કરવા સામે પડકાર ફેંક્યો હતો. 

સુપ્રીમ કોર્ટે મંગળવારે તારિક રોડ પાસે એમેનિટી પાર્કની જમીન પર બનેલી એક મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. 

'કોઈની હિંમત નથી કે મસ્જિદની એક ઈંટ પણ પાડે'

સુપ્રીમ કોર્ટના આદેશને પડકારતા મૌલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'શું આને મદીનાનું રાજ કહેવાય છે કે મંદિર તો સુરક્ષિત છે અને મસ્જિદને તોડવાનો આદેશ સુપ્રીમ કોર્ટ આપે છે? જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી કોઈની હિંમત નથી કે, મસ્જિદની એક ઈંટ પણ પાડે.'

કોર્ટને ધમકી

વાયરલ થઈ રહેલો વીડિયો એક કાર્યક્રમનો છે જેમાં રાશિદ મહમૂદ સૂમરો ગર્જના કરતા કોર્ટને ધમકી આપી રહ્યા છે, 'જો મસ્જિદ સલામત નહીં રહી તો તમારા હોદ્દા પણ સલામત નહીં રહે, તમારા કાર્યાલયો પણ સલામત નહીં રહે. જો તમારામાં હિંમત હોય તો મસ્જિદને તોડીને બતાવો, મસ્જિદ લાવારીસ નથી. તારીક રોડ હોય, મદીના મસ્જિદ હોય, ઈંશાઅલ્લાહ જમીયત તેની ચોકીદારી કરશે. અમે જાલિમથી બગાવત કરીશું. મસ્જિદ સુધી પહોંચવા માટે જમીયતના લોકોના માથાઓ પરથી પસાર થવું પડશે.'

તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેઓ મસ્જિદને તોડવાનો આદેશ પછી આપે, પહેલા પાકિસ્તાનના પેટ્રોલ પંપ, શાળાઓ અને સૈનિક છાવણીઓને તોડવાનો આદેશ આપે.