×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મફત સુવિધાના ચૂંટણી વચનોનું 'રેવડી કલ્ચર' દેશ માટે જોખમી : પીએમ મોદી


- રૂ. 14,850 કરોડના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન

- મફતની રેવડીઓ વહેંચીને જનતાને ખરીદી લેવાનું વિચારતા રેવડી કલ્ચરવાળાને દેશના રાજકારણમાંથી હટાવવાના છે : મોદી

જાલૌન (ઉ. પ્રદેશ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં મફતમાં પૂરી પડાતી સુવિધાઓના રાજકારણ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ 'રેવડી કલ્ચર' દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક છે. આ રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ અથવા ડિફેન્સ કોરીડોર નહીં બનાવે. તેમને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડીઓ વહેંચીને ખરીદી લેવાશે. આપણે તેમના આ વિચારોને હરાવવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ રૂ. ૧૪,૮૫૦ કરોડના ખર્ચે બનેલા ૨૯૬ કિ.મી. લાંબા બુંદેલખંડ એક્સપ્રેસવેનું શનિવારે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના ઉરઈ તાલુકાના કૈથેરી ગામમાં ઉદ્ધાટન કર્યા પછી એક જનસભાને સંબોધન કર્યું હતું. દેશમાં મફત સુવિધાઓના નામે ચાલતા રાજકારણ પર હુમલો કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે આ રેવડી કલ્ચરને દેશના રાજકારણમાંથી હટાવવાનું છે. તેમણે લોકોને વિશેષરૂપે યુવાનોને 'રેવડી કલ્ચર' પ્રત્યે સાવધ કર્યા અને કહ્યું કે તે દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક બની શકે છે. 

મોદીએ કનેક્ટિવિટીની અછત મુદ્દે ઉત્તર પ્રદેશમાં પાછલી સરકારો પર નિશાન સાધ્યું અને કહ્યું કે ડબલ એન્જિનની સરકાર હવે ઝડપથી વધુ સારી કનેક્ટિવિટી સાથે રાજ્યમાં મોટા પરિવર્તન સુનિશ્ચિત કરી રહી છે. બુંદેલખંડ એક્સપ્રેસ-વેથી ચિત્રકૂટથી દિલ્હીનું અંતર ત્રણ-ચાર કલાક ઘટી ગયું છે, પરંતુ તેનો ફાયદો તેનાથી ઘણો વધુ છે. આ એક્સપ્રેસ વે અહીં માત્ર વાહનોને ગતિ જ નહીં આપે, પરંતુ આખા બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને ગતિ આપશે.

વડાપ્રધાને કહ્યું કે, બુંદેલખંડના વધુ એક પડકારને ઘટાડવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે. દરેક ઘર સુધી પાઈપથી પાણી પહોંચાડવા માટે અમે 'જળ જીવન મિશન' પર કામ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે.

મોદીએ કહ્યું કે, દેશ વિકાસના જે માર્ગ પર આગળ વધી રહ્યો છે તેના મૂળમાં બે પાસા છે - 'ઈરાદો અને મર્યાદા'. આપણે વર્તમાન માટે નવી સુવિધાઓ બનાવવાની સાથે દેશનું ભવિષ્ય પણ બનાવી રહ્યા છીએ. જે ઉત્તર પ્રદેશમાં રાયબરેલી રેલ કોચ ફેક્ટરી, માત્ર ડબ્બાને રંગવાનું કામ કરીને ચલાવી રહી હતી, તે ઉત્તર પ્રદેશમાં હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલી ગંભીરતાથી કામ થઈ રહ્યું છે કે તેણે સારા-સારા રાજ્યોને પણ પછાડી દીધા છે. આખા દેશમાં ઉત્તર પ્રદેશની ઓળખ બદલાઈ રહી છે. પીએમ મોદીએ ૨૯ ફેબુ્રઆરી, ૨૦૨૦ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. આ એક્સપ્રેસ વેનું કામ ૨૮ મહિનાની અંદર પૂરું કરી લેવાયું છે.

રેવડી કલ્ચર મુદ્દે રાજકીય ઘમાસાન

...તો આખા દેશને મફત શિક્ષણ અને સારવાર આપીશું : કેજરીવાલ

- તેમના મંત્રીઓને મફત વીજળી મળે છે જ્યારે અમે લોકોને મફત વીજળી આપીએ છીએ : કેજરીવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રેવડી કલ્ચર' મુદ્દે વિપક્ષ પર હુમલો કર્યો તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર વળતો ઘા કર્યો હતો. કેજરીવાલે કહ્યું કે, ભ્રષ્ટાચાર ખતમ કરીને લોકોને મફત સુવિધાઓ પૂરી પાડવી એ રેવડી કલ્ચર નથી. ભગવાનની ઈચ્છા હશે તો અમે આખા દેશને મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડીશું. વડાપ્રધાન મોદીના 'રેવડી કલ્ચર'ના આક્ષેપોના જવાબમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મારા પર આક્ષેપો થઈ રહ્યા છે કે કેજરીવાલ મફત રેવડીઓ વહેંચી રહ્યા છે, પણ હું પૂછવા માગું છું કે લોકોને સુવિધાઓ આપીને મેં શું ભૂલો કરી છે? આજે દેશમાં બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. એક પ્રમાણિક અને બીજું ભ્રષ્ટાચારી. પ્રમાણિક રાજકારણ આપ કરે છે. અમે દરેક બાબતમાં રૂપિયા બચાવીએ છીએ અને જનતાને સુવિધા આપીએ છીએ. બીજીબાજુ ભ્રષ્ટાચારી રાજકારણમાં પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટ અપાય છે. મંત્રીઓને સુવિધા અપાય છે. જનતાને સુવિધાઓ નથી અપાતી.

કેજરીવાલે કહ્યું કે, આજે દિલ્હીની સરકારી સ્કૂલોમાં ૧૮ લાખ બાળકો ભણે છે. તેમને મફત શિક્ષણ પૂરું પાડીને મેં કયો ગૂનો કર્યો? ચાર લાખ બાળકોએ ખાનગી સ્કૂલોમાંથી નામ રદ કરાવી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. આજે દિલ્હી એકમાત્ર એવું શહેર છે જ્યાં બે કરોડ લોકોની મફત સારવાર થાય છે. કેજરીવાલે ઉમેર્યું કે તેમને પૂછો કે તમારા મંત્રીઓને મફત વીજળી મળે છે. અમે લોકોને મફત વીજળી આપીએ છીએ. ફરિશ્તે સ્કીમ હેઠળ અમે ૪૫ હજાર વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવી છે. એક કંપની લોન લઈને ખાઈ ગઈ, પરંતુ એક પક્ષને દાન આપ્યું અને લોન માફ થઈ ગઈ. આ ફ્રી રેવડી છે. તમે વિદેશી સરકારો પાસેથી પોતાના મિત્રો માટે કોન્ટ્રાક્ટ લો છો તે ફ્રી રેવડી છે. અમે રૂપિયા બચાવીને લોકોને સુવિધા પૂરી પાડીએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો અમે આખા દેશને મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડીશું.