×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મની લોન્ડ્રિંગ કેસમાં સેલેબ્સ પર સિકંજો, જૈકલીન બાદ હવે નોરા ફતેહીને EDનું સમન


- આ કેસની વાત કરીએ તો તે 200 કરોડ રૂપિયાની એક ખંડણીથી શરૂ થયેલો જે જેલમાં બેઠેલા સુકેશ ચંદ્રશેખરે એક બિઝનેસમેનની પત્ની પાસેથી વસૂલી હતી

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રિંગ કેસમાં હવે બોલિવુડ સેલેબ્સ પણ ફસાતા જણાઈ રહ્યા છે. અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ બાદ હવે નોરા ફતેહીને પણ ઈડીનું સમન મળ્યું છે અને તેને પણ પુછપરછ માટે બોલાવવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ સુકેશ ચંદ્રશેખર કેસમાં જૈકલીન ઉપરાંત નોરાનું કનેક્શન પણ સામે આવી રહ્યું છે. ઈડી આ મામલે નોરાની પુછપરછ કરવા માગે છે. અગાઉ જૈકલીનને પણ પુછપરછ માટે બોલાવવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ સુકેશ દ્વારા જૈકલીનને પણ ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કારણે અભિનેત્રીને સુકેશ અંગે સવાલ-જવાબ પુછવામાં આવી રહ્યા છે. 

નોરા ઉપરાંત જૈકલીનને પણ ફરી સમન પાઠવવામાં આવ્યા છે. તેને આવતીકાલે પુછપરછમાં સામેલ થવા માટે MTNL સ્થિત EDના કાર્યાલયે બોલાવવામાં આવી છે. PMLA અંતર્ગત જૈકલીન અને નોરાની પુછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સી એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે, નોરા અને જૈકલીન તરફથી સુકેશ સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ થઈ હતી કે નહીં. 

આ કેસની વાત કરીએ તો તે 200 કરોડ રૂપિયાની એક ખંડણીથી શરૂ થયેલો જે જેલમાં બેઠેલા સુકેશ ચંદ્રશેખરે એક બિઝનેસમેનની પત્ની પાસેથી વસૂલી હતી. ત્યાર બાદ આ કેસમાં સુકેશની પત્ની લીના પોલનો હાથ પણ સામે આવ્યો હતો અને અનેક કલાકો સુધી તેની પુછપરછ ચાલી હતી. પોલીસના કહેવા પ્રમાણે પોલે કથિત રીતે ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંહના પત્ની અદિતિ સિંહ સાથે ઠગાઈ કરવામાં ચંદ્રશેખરની મદદ કરી હતી. 

બાદમાં આ મની લોન્ડ્રિંગના તાર બોલિવુડ સેલેબ્સ સાથે સંકળાવા લાગ્યા હતા. આ લિસ્ટમાં સૌથી પહેલા જૈકલીનનું નામ સામે આવ્યું હતું અને એવું જાણવા મળ્યું હતું કે, તે પોતે સુકેશ ચંદ્રશેખરની જાળમાં ફસાઈ ગઈ હતી.