×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મદદનીશને ડામ આપવાના, પેશાબ ચટાડવાના આક્ષેપો બાદ BJPના સસ્પેન્ડેડ નેતાની ધરપકડ


- આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી

રાંચી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર

ઝારખંડમાં ઘરેલુ મદદનીશને પ્રતાડિત કરવાના આરોપસર સસ્પેન્ડેડ ભાજપના નેતા સીમા પાત્રાની ધરપકડ કરી લેવાઈ છે. સીમા પાત્રા પર એવો આરોપ છે કે, તેમણે પોતાની ઘરેલું મદદનીશને ગોંધી રાખી હતી અને તેના સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો. 

સીમા પાત્રા ભાજપના મહિલા વિંગના રાષ્ટ્રીય કાર્યસમિતિ સદસ્ય હતા. સાથે જ તેઓ બેટી બચાઓ-બેટી પઢાઓના રાજ્ય સંયોજક પણ હતા. જ્યારે તેમના પતિ મહેશ્વર પાત્રા એક સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી છે. સોશિયલ મીડિયામાં ઘરેલુ મદદનીશનો અત્યાચારનો આરોપ લગાવતો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

8 વર્ષથી આપવામાં આવી રહ્યો હતો ત્રાસ

એવો આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી. પીડિત મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાનો છે અને તેણે પોતાને અનેક વખત ગરમ તવાથી ડામ આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. 

પેશાબ ચાટવા કરાઈ હતી મજબૂર

વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિત મહિલા હોસ્પિટલના ખાટલે સૂતી છે. તેના અનેક દાંત તૂટેલા છે અને તે સરખી રીતે બેસી પણ નથી શકતી. તેણે રડીને પોતાની પીડા વર્ણવતા જણાવ્યું હતું કે, તેના દ્વારા જીભ વડે જમીન સાફ કરાવડાવવામાં આવી હતી, પેશાબ ચાટવા મજબૂર કરવામાં આવી હતી અને તેના દાંત તોડી નાખવામાં આવ્યા હતા. ઝારખંડના ગુમલાની રહેવાસી 29 વર્ષીય પીડિતા આશરે દસેક વર્ષથી પાત્રા પરિવારના ત્યાં કામ કરી રહી હતી. 


સીમાના દીકરાએ જ કરી પીડિતની મદદ

વિવાદ બાદ ભાજપે સીમા પાત્રાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જાણવા મળ્યા મુજબ સીમાના દીકરા આયુષ્માને જ પીડિત સુનીતાની મદદ કરી હતી. આયુષ્માને સચિવાલયમાં પોતાના સાથે કામ કરતા મિત્ર વિવેકને આ અંગે જાણ કરી હતી અને વિવેકે રાંચી ડીસી સુધી વાત પહોંચાડી હતી. પોલીસે આ મામલે કન્ફર્મ થયા બાદ સુનીતાને રેસ્ક્યુ કરી હતી. 

પુત્ર માનસિકરૂપે બીમાર હોવાનો દાવો

બાદમાં સીમા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે સુનીતા સાથે આક્ષેપો થઈ રહ્યા છે તેવો કોઈ જ વ્યવહાર નથી કર્યો. ઉપરાંત સીમાએ પોતાનો દીકરો આયુષ્માન માનસિકરૂપે બીમાર હોવાનો અને તેણે ખોટા આરોપો લગાવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.