×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મથુરામાં હોબાળાનું શું છે કારણ? જાણો ઈદગાહ-મંદિર અને જળાભિષેકનો સમગ્ર મુદ્દો


- હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મુઘલ શાસક ઔરંગઝેબે 1669માં શ્રીકૃષ્ણ મંદિર તોડાવી દીધું હતું અને તેના એક હિસ્સામાં ઈદગાહનું નિર્માણ કરાવ્યું હતું

નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર, 2021, સોમવાર

મથુરામાં હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે પરંતુ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા એટલી સઘન છે કે, પંખી પણ પાંખો ન ફફડાવી શકે. શહેરમાં કલમ 144 લાગુ છે. શહેરના તમામ એન્ટ્રી ગેટ, મુખ્ય રસ્તાઓ પર પોલીસની તૈનાતી છે. શહેરમાં પ્રવેશનારા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લાગે તે લોકો પાસેથી ઓળખ પત્ર માગવામાં આવી રહ્યું છે. શહેરમાં હજારોની સંખ્યામાં પોલીસ તૈનાત છે. 

ચર્ચાનું કારણ

શાંત રહેતા મથુરામાં મચેલા હોબાળાના કારણની વાત કરીએ તો ગત મહિને અખિલ ભારત હિંદુ મહાસભાના નેતા રાજશ્રી ચૌધરીએ એવું કહ્યું હતું કે, તેઓ 06 ડિસેમ્બરના રોજ શાહી મસ્જિદની અંદર ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરશે અને તેનો જળાભિષેક કરશે. આ સંગઠને કરેલા દાવા પ્રમાણે ભગવાન કૃષ્ણનું વાસ્તવિક જન્મ સ્થળ મસ્જિદની અંદર છે. અખિલ ભારત હિંદુ મહાસભાની આ જાહેરાતને શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસ, નારાયણી સેના અને શ્રીકૃષ્ણ મુક્તિ દળે પણ સમર્થન આપ્યું હતું. 

આ સંગઠનોએ કહ્યું હતું કે, તેઓ 06 ડિસેમ્બરના રોજ શાહી મસ્જિદની અંદર લડ્ડુ ગોપાલ એટલે કે, ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરશે અને તેનો જળાભિષેક કરશે. 

કેશવ મૌર્યના નિવેદનથી સનસનાટી

હિંદુ સંગઠનોના નિવેદન દ્વારા ચૂંટણી તરફ પ્રસ્થાન કરી રહેલા ઉત્તર પ્રદેશનું રાજકીય તાપમાન વધી ગયું છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ એક ડિસેમ્બરના રોજ જે નિવેદન આપ્યું ત્યાર બાદ આ મુદ્દો વધારે ચર્ચાસ્પદ બન્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, અયોધ્યા કાશી ભવ્ય મંદિર નિર્માણ કાર્ય ચાલુ છે, મથુરાની તૈયારી છે. આજે પણ તેમની ટ્વિટર ટાઈમલાઈન પર આ ટ્વિટ જોવા મળી રહી છે. કેશવ પ્રસાદે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પણ સવાલ કર્યો હતો કે, શું તેઓ મથુરામાં ભગવાન કૃષ્ણનું મંદિર ઈચ્છે છે કે નહીં?

શું છે મંદિર-મસ્જિદનો વિવાદ

હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મુઘલ શાસક ઔરંગઝેબે 1669માં શ્રીકૃષ્ણ મંદિર તોડાવી દીધું હતું અને તેના એક હિસ્સામાં ઈદગાહનું નિર્માણ કરાવ્યું હતું. તે ઈદગાહને હટાવવા માટે હિંદુ પક્ષ તરફથી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલો છે. હિંદુ પક્ષના દાવા પ્રમાણે જ્યાં રાજા કંસની જેલ હતી ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જેલમાં જન્મ લીધો. 1669માં મુઘલ શાસક ઔરંગઝેબે તે જેલના ચબૂતરા પર જ શાહી ઈદગાહ બનાવી દીધી હતી. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ કૌશિકે જણાવ્યું કે, શાહી ઈદગાહ તો અતિક્રમણ કરીને બનાવાઈ છે કેમકે જ્યાં રાજા કંસની જેલ હતી ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ તો જેલમાં જન્મ લીધો હતો. 

હિંદુ મહાસભા દ્વારા તે સ્થળેથી ઈદગાહ હટાવવાની માગણી થઈ રહી છે. હાલ આ કેસ મથુરા સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને 15 ફેબ્રુઆરીના રોજ તેની આગળની સુનાવણી થવાની છે. રિપોર્ટ પ્રમાણે કૃષ્ણ જન્મભૂમિવાળી 13.33 એકર જમીન રાજા મલ પાસેથી અખિલ ભારત હિંદુ મહાસભાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મદન મોહન માલવીયે ખરીદી હતી. 

હિંદુ સંગઠને મથુરાની કોર્ટમાં દાખલ અરજીમાં જણાવ્યું છે કે, 2 ઓક્ટોબર, 1968ના રોજ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઈદગાહ પ્રબંધ સમિતિ વચ્ચે થયેલી સમજૂતી ખોટી છે. આ સંગઠને અદાલત સમક્ષ માગણી કરી છે કે, આ સમજૂતી રદ કરવામાં આવે અને મંદિર પરિસરમાં સ્થિત ઈદગાહને હટાવીને તે ભૂમિ હિંદુ પક્ષને સોંપવામાં આવે. 

1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ (શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન) અને શાહી ઈદગાહ મસ્જિદ પ્રબંધન કમિટી વચ્ચે જમીનને લઈ એક સમજૂતી થઈ હતી. તેમાં એવું નક્કી થયું હતું કે, મસ્જિદ જેટલી જમીન પર છે તે એ જ રીતે કાયમ રહેશે. 

હિંદુ પક્ષનો દાવો છે કે, કૃષ્ણનું જન્મ સ્થળ ત્યાં જ છે જ્યાં પ્રાચીન કેશવરાય મંદિર હતું. સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, 1958ના વર્ષમાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ નામની સંસ્થાની રચના થઈ જેણે મુસ્લિમ પક્ષ સાથે ખોટી સમજૂતી કરી લીધી.