×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર હિંસા મામલે યોજાનાર સર્વપક્ષીય બેઠક પહેલા ધમાસાણ… રાહુલ ગાંધી-મમતા બેનર્જીએ PM મોદી પર કર્યા કટાક્ષ

નવી દિલ્હી, તા.22 જૂન-2023, ગુરુવાર

મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે સરકાર દ્વારા 24 જૂને નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે, ત્યારે આ બેઠકને લઈ રાજકારણમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. આ બેઠક અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મોદી સરકાર પર જોરદાર પ્રહારો શરૂ કરી દીધા છે. તો રાહુલ ગાંધીએ સીધા જ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું ?

મણિપુર હિંસા મામલે સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠક અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 50 દિવસથી મણિપુર સળગી રહ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન રહ્યા... વડાપ્રધાન પોતે દેશમાં નથી, તેવા સમયે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે, તેમના માટે આ બેઠક મહત્વપૂર્ણ નથી.

મમતા બેનર્જી સર્વપક્ષીય બેઠકમાં ભાગ નહીં લે

મણિપુર હિંસા મામલે સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષી બેઠક અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, હવે ઘણું મોડુ થઈ ગયું છે... મેં પત્ર લખીને જણાવ્યું હતું કે, હું મણિપુર જવા માંગુ છું, પરંતુ મને તેનો જવાબ ગઈકાલે એટલે કે બુધવારે મળ્યો છે. હું આ બેઠકમાં નહીં જાઉ... મારી જગ્યાએ ડેરેક ઓ બ્રાયન બેઠકમાં ભાગ લેશે.

મણિપુર હિંસા મુદ્દે અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક

મણિપુર હિંસા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ દરમિયાન મણિપુરની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં સતત વધી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 10 હજાર ઘરો સળગાવાયા છે... અત્યાર સુધીમાં 4100થી વધુ આગની ઘટનાઓ સામે આવી છે.