×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર : સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 7 ગેરકાયદે બંકરો તોડી પાડ્યા, કર્ફ્યુમાં રાહત અપાઈ

ઈમ્ફાલ, તા.04 ઓગસ્ટ-2023, શુક્રવાર

મણિપુરમાં વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં જ થયેલી હિંસાઓ બાદ સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી 7 ગેરકાયદેસર બંકરોને તોડી પાડ્યા છે, તેમ મણિપુર પોલીસે જણાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, મણિપુર સરકારે સામાન્ય લોકોને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની સુવિધા આપવા માટે ઈમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં શુક્રવારે સવારે 5 વાગ્યાથી 7 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપી છે.

રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન

પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, સુરક્ષા દળોએ રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જાતીય હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ કૌત્રુક પહાડી વિસ્તારમાં સંયુક્ત સુરક્ષા દળો દ્વારા 7 ગેરકાયદેસર બંકરોને તોડી પડાયા છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં બનેલી ઘટના બાદ બંને જિલ્લાઓમાં કર્ફ્યૂમાં અપાયેલી રાહત ગઈકાલે પાછી ખેંચી લઈ બંને જિલ્લામાં સંપૂર્ણ કરફ્યુ લદાયો હતો. ઈમ્ફાલ પૂર્વ અને પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશોમાં જણાવાયું છે કે, સામાન્ય જનતાને દવાઓ અને ખાદ્યપદાર્થો સહિત આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની સુવિધા આપવા માટે શુક્રવારે સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે.

ટોળાએ બટાલિયનના હેડક્વાર્ટરમાં ઘૂસી શસ્ત્રો-દારુગોળા લૂંટ્યાં

એક જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે બિષ્ણુપુરના તેરખોંગસાંગબીમાં અજાણ્યા બંદૂકધારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારમાં એક 35 વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેમણે કહ્યું કે, મહિલાને હાથ પર ગોળી વાગી હતી અને તેની ઈમ્ફાલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ અગાઉ ગુરુવારે એક ટોળું બિષ્ણુપુર જિલ્લાના નરસેના ખાતે 2જી ઈન્ડિયા રિઝર્વ બટાલિયનના હેડક્વાર્ટરમાં ઘૂસ્યું હતું અને શસ્ત્રો અને દારૂગોળો લૂંટી લીધો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટોળાએ વિવિધ હથિયારોમાંથી 19,000 રાઉન્ડથી વધુ ગોળીઓ, 1 એકે સિરિઝની અસોલ્ટ રાઈફલ, ત્રણ ઘાતક રાઈફલ, 195 સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ, 5 MP-4 બંદૂકો, 16.9 એમએમ પિસ્તોલ, 25 બુલેટપ્રૂફ જેકેટ્સ, 221 કાર્બાઈન, 124 હેન્ડ ગ્રેનેડ સહિત અન્ય હથિયારો લૂંટ્યા છે.

અત્યાર સુધીમાં મણીપુર હિંસામાં 160 થી વધુ લોકોના મોત

અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કર્યા પછી મણિપુરમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં 160 થી વધુ લોકોના મોત થયા છે.