×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં હિંસા પીડિતોને મળવા જતાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, કોંગ્રેસ લાલઘૂમ

Image :  Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચીને હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી રવાના થયા હતા ત્યારે માત્ર 20 કિમી જ આગળ વધતા તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લામાં પોલીસે રોકી દીધો હતો. પોલીસે કહ્યું હતું કે આગળ અશાંતિ છે.

રાહુલ ગાંધી રાહત શિબિરોની મુલાકાત લેશે 

રાહુલ ગાંધી આજથી મણિપુરના બે દિવસીય પ્રવાસ પર છે. તેઓ આજે સવારે દિલ્હીથી ફ્લાઇટ દ્વારા મણિપુર પહોચ્યા હતા. રાહુલ ગાંધી આજે અને આવતીકાલે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોની સ્થિતિ જાણશે. આ ઉપરાંત રાહુલ મણિપુરની રાજધાની ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. બપોરે તુઈબોંગમાં ગ્રીનવુડ એકેડમી અને ચુરાચંદપુરમાં સરકારી કોલેજની મુલાકાત લેશે જેના બાદ કોન્ઝેંગબામમાં કોમ્યુનિટી હોલ અને મોઇરાંગ કોલેજ પહોચશે.

ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક યોજી હતી

પૂર્વોત્તર રાજ્ય મણિપુર છેલ્લા 58 દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે અને આ હિંસામાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણિપુર ગયા હતા અને રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને પીડિતોની વાત સાંભળી હતી. એક સપ્તાહ પહેલા ગૃહમંત્રીએ દિલ્હીમાં મણિપુરની સ્થિતિને લઈને 18 પક્ષો સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સપા અને આરજેડીએ મણિપુરના સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી.