×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી, મહિલાએ જણાવી આપવીતી, પોલીસે નોંધી ઝીરો FIR


ઈમ્ફાલ, તા.10 ઓગસ્ટ-2023, ગુરુવાર

છેલ્લા ત્રણ મહિનાથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. રાહત શિબિરમાં રહેતી એક મહિલા ગેંગરેપનો શિકાર બની છે અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મીડિયા અહેવાલો મુજબ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાની 37 વર્ષિક પરિણીતાએ ભયાનક કહાની સંભળાવતા કહ્યું કે, ત્રીજી મેના રોજ જાતીય હિંસા દરમિયાન તેના ઘરને સળગાવી દીધું હતું.

‘મહિલા પુત્ર-ભત્રીજી-ભાભી સાથે ભાગી પણ...’

ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલા તેના પુત્ર, ભત્રીજી અને ભાભી સાથે જીવ બચાવવા ભાગી હતી, જોકે તે દરમિયાન પાંચ-છ કુકી બદમાશોએ તેને પકડી લીધી અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલાએ પરિવારની ઈજ્જત બચાવવા અને સામાજિક બહિષ્કારના ડરના કારણે આગળ પગલું ભર્યું નહતું અને તે કારણે જ તેણે મોડી ફરિયાદ નોંધાવી છે.

‘મેં ઉભા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ...’

મહિલાએ રડતા અવાજે કહ્યું કે, હું મારા પરિવારના લોકો સાથે જીવ બચાવવા ભાગી રહી હતી, ત્યારે હું નીચે પડી ગઈ... હું ઉભી થવા ગઈ તે પહેલાં જ કુકી બદમાશોએ તેને પકડી લીધી અને તેની સાથે દુષ્કર્મ કર્યું અને મને ત્યાં જ છોડીને જતા રહ્યા...

‘હું આત્મહત્યા કરવા માંગતી હતી...’

મહિલાએ કહ્યું કે, મારી સાથે બનેલી આ ઘટનાના કારણે તે સંપૂર્ણ તુટી ગઈ હતી અને આત્મહત્યા કરવા માંગતી હતી, જોકે બાળકોના કારણે તે આવું ન કરી શકી...

બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે

પીડિતાએ વધુમાં કહ્યું કે, મારી સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી, હું આઘાતમાં હતી... હું તબીબી વિજ્ઞાન સંસ્થામાં ગઈ હતી, પરંતુ ત્યાં ડોક્ટરોને મળ્યા વગર જ પરત જતી રહી હતી, જોકે થોડા દિવસો બાદ હું JNIMS હોસ્પિટલ ગઈ અને ડોક્ટર પાસે તપાસ કરાવી હતી... ત્યારબાદ હું સામાન્ય સાજી થઈ અને અહીં ફરિયાદ કરવા આવી છું...  તે બદમાશો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે... તે લોકોએ મારી જિંદગી ખરાબ કરી છે...

મહિલાની ફરિયાદ બાદ પોલીસે ઝીરો FIR નોંધી

બિષ્ણુપુર પોલીસે પીડિતાનું નિવેદન લઈ ઝીરો એફઆઈઆર નોંધી છે. ઉલ્લેખનિય છે કે, જે જગ્યાએ ઘટના બની હોય અને ફરિયાદી તે જગ્યાએ ગુનો દાખલ કરવામાં અસમર્થ હોય ત્યારે ઝીરો એફઆઈઆર નોંધવામાં આવે છે, ત્યારબાદ ઘટનાસ્થળ પાસેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદને ટ્રાન્સફર કરવામાં આવે છે.

6500થી વધુ પોલીસ કેસ નોંધાયા

ઉલ્લેખનિય છે કે, કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી હિંસાથી માત્ર મણિપુરમાં જ નહીં આખા દેશમાં ખળભળાટ મચ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 152 લોકોના મોત થયા છે, જ્યારે 50 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો બેઘર થયા હોવાથી પડોશી રાજ્યમાં આશ્રય લેવા મજબુર બન્યા છે. હિંસા મામલે અત્યાર સુધીમાં 6500થી વધુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અગાઉ મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દેશભરમાં રોષ ભભુક્યો હતો. આ ઘટના 4 મેએ બની હતી. 1000 સશસ્ત્ર હુમલાખોરોએ કાંગપોકલી જિલ્લાના બી ફાઈનોમ ગામ પર હુમલો કર્યો... ત્યારે હુમલાના ડરથી કૂકી સમાજના 2 પુરુષ અને 3 મહિલાઓ જંગલમાં જઈને છુપાયા, પણ તેમને હુમલાખોરોએ પકડી લીધા હતા. ત્યારબાદ તેમને નોનપોક સેકમાઈ પોલીસે છોડાવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ભીડ તેમને પોલીસ પાસેથી છિનવી લીધા હતા. 56 વર્ષના વ્યક્તિની ત્યાં જ હત્યા કરી દેવામાં આવી અને મહિલાઓને નિવસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી અને યુવતી પર જાહેરમાં સામુહિક દુષ્કર્મ કરાયું... તેના 19 વર્ષના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, તો તેની પણ હત્યા કરી દેવાઈ... બાદમાં ત્રણેય મહિલાઓ કોઈક રીતે જીવ બચાવી શકી.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 152 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.