×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, એક જવાન શહીદ

Image : twitter

દેશનું પુર્વોતર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસાને લીધે રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને નિયમિત અંતરે ગોળીબારના અવાજ સંભળાય છે. આ હિંસા વચ્ચે બિષ્ણુપુરમાં ઉગ્રવાદીઓએ ફરીથી અંધાધૂધ ગોળીબાર કર્યો હતો જેમા એક જવાન શહીદ થયો છે. આ સિવાય બે સમુદાયો વચ્ચે થયેલા ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી ગયા છે.

19મી જુલાઈ બાદ સ્થિતિ વધુ ગંભીર

મણિપુરમાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો હતો ત્યા જ 19મી જુલાઈની સાંજે એક ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ ફરી સ્થિતિ બગડવા લાગી છે ત્યારબાદ ઉગ્રવાદીઓના એક જૂથે ચુરાચંદપુરના તોરબુંગ બજાર વિસ્તારમાં ઓછામાં ઓછા 10 ખાલી મકાનો અને એક શાળાને આગ લગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓ ઉગ્રવાદીઓના ટોળાની સામે ચાલી રહી હતી, જેનાથી એવું લાગી રહ્યું હતું કે આ મહિલાઓ ઉગ્રવાદીઓ માટે માનવ ઢાલ તરીકે કામ કરી રહી છે. પોલીસે વધુમાં કહ્યું કે ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગોળીબાર અને દેસી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. હવે આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, કેન્દ્ર અને બિરેન સરકાર ઉગ્રવાદીઓ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહી છે.

ભારતીય સેનાએ AFSPAની માંગણી કરી

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સેનાએ AFSPAની માંગ કરી હતી. ભારતીય સેના અને આસામ રાઈફલ્સના એકમો મણિપુરમાં હાજર છે. પરંતુ AFSPAની ગેરહાજરીને કારણે, સેના મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહી છે પરંતુ કોઈ એક્શન લઈ શક્તા ન હોવાથી જ AFSPAની માંગ કરવામાં આવી રહી છે. મણિપુરમાં ચાલી રહેલી જ્ઞાતિ હિંસામાં 145થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 3500 લોકો ઘાયલ થયા છે. મણિપુરમાં 3 મેથી મુખ્યમંત્રીના આદેશ પર ભારતીય સેના અને આસામ રાઈફલ્સની કુલ 123 ટુકડી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તૈનાત કરવામાં આવી છે પરંતુ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ AFSPAની ગેરહાજરીને કારણે સેના મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહી છે પરંતુ કોઈ મજબૂત પગલાં લેવામાં સક્ષમ નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ રહી

મૈતઇ સમાજની અનુસૂચિત જનજાતિ દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ પ્રથમ વખત હિંસા ફાટી નીકળી હતી. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતઇ સમાજનો હિસ્સો છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી નાગાઓ અને કુકીઓની વસ્તી 40 ટકા છે અને તેઓ પહાડી જિલ્લાઓમાં રહે છે. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 35 હજાર આર્મી અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ લાખો પ્રયાસો છતાં કોઈ સુધારો જોવા મળતો નથી જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 145થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3500થી વધુ લોકો ઘાયલ થયા છે. કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની બીરેન સરકાર અત્યાર સુધી આ મુદ્દે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.