×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદીઓએ 15 ઘર સળગાવ્યા, ભીડભાડવાળી જગ્યાએ આડેધડ ફાયરિંગ

ઈમ્ફાલ, તા.06 ઓગસ્ટ-2023, રવિવાર

મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત હોવા છતાં મણિપુરમાં હિંસા થમવાનું નામ લેતી નથી... અહીં રોજબરોજ ગોળીબાર અને આગ લાગવાની ઘટનાઓના અહેવાલો મળતા રહે છે, ત્યારે રાજ્યમાં વધુ હિંસક ઘટના સામે આવી છે. ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઉગ્રવાદીઓની ભીડે તેમા વિરોધી સમુદાયના 15 ઘરોને આંગ ચાંપી દીધી છે અને ભારે હંગામો મચાવ્યો છે. હિંસા દરમિયાન ફાયરિંગની ઘટનામાં 45 વર્ષિક વ્યક્તિને ગોળી વાગી છે, જેને તુરંત રિસ્મ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલ યુવક સુરક્ષિત હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે મણિપુરમાં વધુ 10 સેન્ટ્ર ફોર્સની કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા

કુકી અને મૈતેઈ બંને સમુદાયો એકબીજાના જીવના દુશ્મન બની ગયા છે. આવી સ્થિતિમાં શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ઘણા ઘરોને આંગ ચાંપી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકો બફર ઝોન ક્રોસ કરી મૈતેઈ જિલ્લામાં આવ્યા અને ભીડભાડવાળી જગ્યામાં ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું. ઉલ્લેખનિય છે કે, બિષ્ણુપુર જિલ્લાના ક્કાક્ટા વિસ્તારથી બે કિલોમીટર દુર કેન્દ્રીય સુરક્ષા દળોએ બફર ઝોન બનાવ્યો છે, જેને પાર કરી કુકી સમુદાયના લોકો મૈતેઈ સમુદાયના વિસ્તારમાં પહોંચ્યા હતા.

લૂંટવામાં આવેલા હથિયારો જપ્ત કરવા સર્ચઓપરેશન

મણિપુર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, પોલીસ પાસેથી લૂંટવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવા મોટી સંખ્યમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન હેઠળ સુરક્ષા દળો પહાડી અને ખીણ વિસ્તારમાં સતત દરોડા પાડી રહી છે. આ દરોડામાં અત્યાર સુધીમાં ખીણ જિલ્લામાંથી 1057 હથિયારો અને 14201 દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે પહાડી જિલ્લામાંથી 138 હથિયારો અને 121 દારુગોળો જપ્ત કરાયો છે.

શનિવારથી ફરી શરૂ થઈ ગઈ હિંસા

અન્ય એક ઘટનામાં શનિવારે સવારે ક્વાક્થા નજીક સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારમાં એક પોલીસ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હિંસાના પગલે સમગ્ર ઈમ્ફાલ ખીણમાં મહિલા દેખાવકારોએ રસ્તા પર ઉતરી આવી હતી અને વાહનોનું પરિવહન અટકાવવા ટાયરો સળગાવ્યા હતા. ઈમ્ફાલ જિલ્લામાં નવેસરથી હિંસા ફાટી નીકળતા સ્થાનિક તંત્રે સવારે ૧૦.૩૦ વાગ્યે ફરી સમગ્ર વિસ્તારમાં કરફ્યુ લાદી દીધો હતો. અગાઉ પરિસ્થિતિ સુધરતા તંત્રે કરફ્યુમાં આંશિક છૂટ આપી હતી. પરંતુ છૂટછાટના થોડાક કલાકોમાં જ ફરી હિંસા ફાટી નીકળી હતી.

500થી વધુ લોકોના ટોળાએ હથિયારો લૂટ્યા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ૫૦૦થી વધુ લોકોના ટોળાએ શુક્રવારે જ એક પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરીને ૨૯૮ રાફઈલ, એસએલઆર, એલએમજી અને મોર્ટાર, ગ્રેનેડ સહિત ૧૯,૦૦૦ કારતૂસ લૂંટયા હતા. ટોળાએ શસ્ત્રોની સાથે ૨૫થી વધુ બુલેટપ્રૂફ જેકેટ, ૨૧ કાર્બાઈન, ૧૨૪ ગ્રેનેડ સહિતનો અન્ય દારૂગોળો પણ લઈ ગયા હતા. મોઈરંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણ મહિનાથી ચાલતી હિંસાના સમયમાં આ સૌથી મોટી લૂંટ હતી.

કુકી આતંકીઓની ધરપકડ મુદ્દે આર્મી-પોલીસ આમને-સામને

ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં હિંસા વચ્ચે શનિવારે વધુ એક વખત મણિપુર પોલીસ અને આર્મી આમને-સામને આવી ગયા હતા. હકીકતમાં શનિવારે વહેલી સવારે ક્વાથામાં શકમંદ કુકી આતંકીઓએ મૈતેઈ સમાજના ત્રણ લોકોની હત્યા કર્યા પછી મણિપુર પોલીસના કર્મચારી ત્રણ આતંકીઓની ધરપકડ કરવા કુકી આદિવાસીઓના પ્રભુત્વવાળા ચુરાચાંદપુર વિસ્તારમાં જતા હતા ત્યારે મૈતેઈ સમાજના પ્રભુત્વવાળા બિષ્ણુપુરમાં ૯મી આસામ રાઈફલના કાસ્પર બુલેટપ્રૂફ વાહનોએ મણિપુર પોલીસનો રસ્તો રોકી લીધો હતો. આ સમયે મણિપુર પોલીસે આસામ રાઈફલના જવાનો પર કુકી આદિવાસીઓને સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ જૂન મહિનામાં પણ સુગ્નુ પોલીસ મથકની ઘટના સમયે પણ ૩૭ આસામ રાઈફલ અને મણિપુર પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.