×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરમાં ફરી હિંસા, અનેક મકાનો દુકાનો અને બસોને આગ લગાવાઇ


- નાગરિકોને સુરક્ષીત સ્થળે લઇ જતી સૈન્યની બસોને નિશાન બનાવાઇ

- કુકી હોય કે મૈતેઇ સૌ નાગરિકોની સુરક્ષા અમારી ફરજ, છતા અમારા પર શંકા કરવી અયોગ્ય : આસામ રાઇફલ્સ

ઇમ્ફાલ : મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે એક ટોળાએ રાજ્યના મોરેહ જિલ્લામાં ખાલી મકાનો અને બસને સળગાવી દીધી હતી. આ વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથે સામસામે ગોળીબાર થયો હતો. જે બાદ મકાનો અને દુકાનોને ખાલી કરી દેવાયા હતા. એવામાં એક ટોળા દ્વારા આશરે ૩૦ જેટલા મકાનો અને દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં આ ઘટના સામે આવી છે તે મ્યાંમાર સરહદ નજીક આવેલો છે. 

હિંસાને પગલે સુરક્ષા જવાનો અને હિંસાખોરોની વચ્ચે સામસામે ગોળીબાર પણ થયો હતો. જોકે કોઇ જાનહાનીના અહેવાલો સામે નથી આવ્યા. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ કાંગપોકરી જિલ્લામાં સુરક્ષા જવાનોની બસોને આગ લગાવી દેવામાં આવી હતી. આ બસોનો ઉપયોગ સુરક્ષા જવાનો આમ નાગરિકોને સુરક્ષીત સ્થળે ખસેડવા માટે કરી રહ્યા હતા. મંગળવારે સાંજે જ દિમાપુરથી આવી રહેલી બસોને આગ લગાવી દેવાઇ હતી. 

મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનો સાથે ભેદભાવના મામલા સામે આવી રહ્યા છે. રાજ્યના ૩૧ ધારાસભ્યોએ માગણી કરી હતી કે આસામ રાઇફલના સ્થાને અન્ય કેન્દ્રિય દળોને તૈનાત કરવામાં આવે. આ શંકાઓ અંગે જવાબ આપતા આસામ રાઇફલ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્ય હોય કે આસામ રાઇફલ્સના જવાનો, દરેક હાલ મણિપુરની શાંતિ ઇચ્છે છે. અમે અમારા કેમ્પ કુકી હોય કે મૈતેઇ દરેક જાતિના પીડિતો માટે ખુલ્લા મુકી રાખ્યા છે અને તેમને શરણ આપી રહ્યા છીએ. તેમ છતા આ પ્રકારનો ભેદભાવ અને શંકાઓ જવાનો પર કરવી તે યોગ્ય નથી.

દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે કહ્યું હતું કે વિસ્થાપીતો માટે મકાનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવા મકાનો પણ બનીને તૈયાર થઇ રહ્યા છે. જે પણ લોકોને હાલ રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે તેમને આ નવા બનાવેલા મકાનોમાં પહોંચાડી દેવામાં આવશે. ઘાટી અને પહાડી એમ બન્ને વિસ્તારના લોકો માટે આ મકાનો બનાવવામાં આવ્યા છે. અગાઉ તેમણે દાવો કર્યો હતો કે મણિપુર સરકારનો રાજ્યમાં ત્રણથી ચાર હજાર મકાનો બનાવવાનો ટાર્ગેટ છે. મણિપુર હિંસામાં ૧૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે હજારો લોકો ઘર વિહોણા થઇ ગયા છે અને રાહત કેમ્પોમાં તેમને રાખવામાં આવ્યા છે.