×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મકર સંક્રાંતિઃ કોરોના સંકટ વચ્ચે હરિદ્વારમાં સ્નાન પર રોક, ગંગાસાગર ખાતે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા


- પ્રયાગરાજમાં આજથી માઘ મેળા અને કલ્પવાસ બંનેનો પ્રારંભ થયો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવીને પવિત્ર ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી રહ્યા છે

નવી દિલ્હી, તા. 14 જાન્યુઆરી, 2022, શુક્રવાર

કોરોના વાયરસે આ વખતે પણ તહેવારોની મજા બગાડી છે. આજે મકર સંક્રાંતિના સ્નાનનું મહત્વ છે પરંતુ હરિદ્વાર જિલ્લા પ્રશાસને સ્નાન પર પ્રતિબંધ મુકી દીધો છે. તેના અંતર્ગત હરિદ્વારના સમગ્ર હર કી પૌડી ક્ષેત્રને બેરિકેડ્સ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા સમગ્ર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવીને આવનારા શ્રદ્ધાળુઓને હર કી પૌડી અને અન્ય ગંગા ઘાટો પર જતાં અટકાવવા પ્રબંધ કરવામાં આવ્યો છે. 

સ્નાન પ્રતિબંધિત હોવાના કારણે હર કી પૌડી સહિતના તમામ ઘાટો સૂના પડ્યા છે અને આ બધા વચ્ચે આજ સવારની ગંગા આરતીમાં પણ ગણતરીના લોકો જ ઉપસ્થિત હતા. સામાન્ય રીતે મકર સંક્રાંતિના સ્નાનનું ખૂબ મહત્વ હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં દેશભરના શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા માટે હરિદ્વાર આવે છે. જોકે કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી જિલ્લા પ્રશાસને સ્નાન પ્રતિબંધિત કરી દીધું છે.

આ તરફ પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં ગંગા સ્નાન માટે 3 લાખ લોકો એકઠાં થયા છે. આ તરફ હિંદુઓના સૌથી મોટા તીર્થ પ્રયાગરાજમાં આજથી માઘ મેળા અને કલ્પવાસ બંનેનો પ્રારંભ થયો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવીને પવિત્ર ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી રહ્યા છે.