×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મંદીની આહટે રૂપિયો ધરાશાયી : ડોલરની સામે 79.37ના ઐતિહાસિક તળિયે

અમદાવાદ,તા.5 જુલાઈ 2022,મંગળવાર

સોમવારે મોડી સાંજે આવેલ વેપાર ખાધના આંકડાએ ભારતીય અર્થતંત્રની નબળી ચાલના સંકેત આપતા આજે ભારતીય ચલણમાં ભારે તારાજી સર્જાઈ છે. રૂપિયો ડોલરની સામે મંગળવારના સત્રમાં 79.37ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે.

વેપાર ખાધ 25.6 અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચતા મંગળવારના સત્રમાં રૂપિયો 9 પૈસાના ઘટાડે 79.03ના સ્તરે ખુલ્યા બાદ સપોર્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ બપોરના સેશનમાં રૂપિયામાં એકાએક ભારે કડાકો જોવા મળ્યો હતો અને ભારતીય ચલણ 4 વાગ્યે 79.37ના સર્વકાલીન તળિયે પહોંચ્યો છે. રૂપિયો સોમવારે સામાન્ય ફેરફાર સાથે 78.94 પર બંધ આવ્યો હતો. 

ખાધ સૌથી મોટી ચિંતા :

ક્રૂડ અને મેટલ સહિતની કોમોડિટીના ભાવ વધતા ભારતની વેપાર ખાધ જૂન 2022માં વધીને 25.6 અબજ ડોલર થઈ હતી, જે જૂન 2021 કરતાં 62 ટકા વધુ છે.

નોમુરાએ ગઈકાલના આંકડા બાદ આજે એક રિપોર્ટમાં જણાવ્યું કે રેકોર્ડ ઊંચી વેપાર ખાધ હવે ભારત માટે સામાન્ય રહેશે અને 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડોલર સામે રૂપિયો ઘટીને 82 સુધી પહોંચે તેવી શક્યતા છે. ચોથા ક્વાર્ટરમાં વધીને રૂપિયો સામાન્ય સુધરીને 81ના લેવલે પહોંચી શકે છે. 

વેપાર ખાધમાં વિસ્તરણ રૂપિયા માટે સૌથી મોટી સમસ્યા બની રહેશે. આ સાથે FPI આઉટફ્લો 28.9 અબજ ડોલર પહોંચ્યું છે.

વધુ વાંચો: પડતર વધવા છતા સર્વિસ ક્ષેત્રમાં 11 વર્ષનો સૌથી મોટો ઉછાળો