×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મંત્રી-નેતાઓના બોલવાની આઝાદી પર વધુ પ્રતિબંધો ન મૂકી શકીએ : સુપ્રીમ


- પાંચ બંધારણીય જજોની બેન્ચે 4-1થી ચૂકાદો આપ્યો

- મંત્રીઓના નિવેદન માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં, પરંતુ અધિકારોનો ભંગ થાય તો કાર્યવાહી કરી શકાય : સુપ્રીમ

- ઊંચા પદો પર બેઠેલા લોકોના ઉશ્કેરણીજનક નિવેદનો મુદ્દે સંસદ કાયદો, પક્ષો આચરણ કોડ બનાવે : સુપ્રીમ

નવી દિલ્હી : દેશમાં હાલ મંત્રીઓ અને નેતાઓ ઉશ્કેરણીજનક અને આકરા નિવેદનો આપી રહ્યા છે અને સમાજમાં વૈમનસ્ય પેદા કરી રહ્યા છે તેવા સમયે સુપ્રીમ કોર્ટે મંગળવારે મંત્રીઓના બોલવા પર લગામ કસવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સતત બીજા દિવસે મહત્વપૂર્ણ ચૂકાદામાં કહ્યું હતું કે, મંત્રીઓ અને ઉચ્ચ પદો પર બેઠેલા લોકોની બોલવાની આઝાદી પર વધારાના પ્રતિબંધો મૂકવાની કોઈ જરૂર નથી. એટલું જ નહીં મંત્રીનું નિવેદન સરકારનું નિવેદન માની શકાય નહીં. બોલવાની આઝાદી દેશના દરેક નાગરિકને મળેલી છે. તેના પર બંધારણથી અલગ જઈ પ્રતિબંધ મૂકી શકાય નહીં.

મંત્રીઓ અને નેતાઓના બેફામ બોલવા, ઉશ્કેરણીજનક નિવેદનો કરવા માસે સુપ્રીમ કોર્ટમાં થયેલી એક અરજીના સંદર્ભમાં મંગળવારે ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીરના નેતૃત્વમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો-ધારાસભ્યો અને ઉચ્ચ પદ પર બેઠેલા લોકોની અભિવ્યક્તિ અને બોલવાની આઝાદી પર કોઈ વધારાના પ્રતિબંધ લગાવી શકાય નહીં. બંધારણની કલમ ૧૯માં પહેલાંથી જ અભિવ્યક્તિની આઝાદી અંગે વ્યાપક જોગવાઈઓ છે.

ગૂનાઈત કેસોમાં સરકાર અથવા તેના કેસોમાં સંબંધિત મંત્રી દ્વારા અપાયેલા નિવેદનને સરકારનું નિવેદન માની શકાય નહીં. કોઈ નાગરિકના મૌલિક અધિકારનું સકારાત્મકરૂપે રક્ષણ કરવું સરકારની ફરજ છે તેમ બેન્ચે નોંધ્યું હતું. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચમાં ન્યાયાધીશો ભૂષણ ગવઈ, એએસ બોપન્ના, વીઆર સુબ્રમણ્યમ અને બીવી નાગરત્નાનો સમાવેશ થાય છે.  

સુપ્રીમ કોર્ટે એક દિવસ અગાઉ નોટબંધીના કેસમાં આપેલા ચૂકાદાની જેમ આ કેસમાં પણ ચાર વિ. એક એમ બહુમતથી ચૂકાદો આપ્યો હતો. ન્યાયાધીશ રામાસુબ્રમણ્યમે બહુમતનો ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂકાદો અનામત રાખ્યો હતો. બેન્ચે ૨૮ સપ્ટેમ્બરે કહ્યું હતું કે, સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અથવા રાજકીય પક્ષના અધ્યક્ષો સહિત જાહેર જીવન જીવતા નેતાઓને જાહેરમાં અસાવધાનીપૂર્ણ, અપમાનજનક અને કોઈની ભાવનાને ઠેસ પહોંચાડનારા નિવેદનો કરતા રોકાવા માટે સામાન્ય દિશાનિર્દેશો તૈયાર કરવા 'મુશ્કેલ' સાબિત થઈ શકે છે.

બેન્ચનો મત હતો કે તથ્યાત્મક પૃષ્ઠભૂમિની તપાસ કર્યા વિના કેન્દ્રીય દિશાનિર્દેશ નિર્ધારિત કરવા મુશ્કેલ હતા. આવી બાબતોમાં કેસ પ્રમાણે નિર્ણય લઈ શકાય છે. બેન્ચે કહ્યું કે ક્યારે કોની અભિવ્યક્તિના મૌલિક અધિકારો પર કેટલી હદ સુધી નિયંત્રણ લગાવવા છે તે બાબતે કોઈ સામાન્ય આદેશ આપી શકાય નહીં. જોકે, ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમે કહ્યું કે, કોઈના પણ બોલવા પર પ્રતિબંધો મૂકી શકાય તેમ નથી, પરંતુ કોઈના નિવેદનથી અધિકારોનો ભંગ થાય તો કાર્યવાહી કરી શકાય છે.

જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે પહેલાથી જ બંધારણમાં અધિકાર અને કર્તવ્ય સાથે પ્રતિબંધોની પણ જોગવાઈ છે તો અલગથી વધુ પ્રતિબંધો મૂકવાનો કોઈ અર્થ નથી રહેતો. તેમણે સંસદને વિનંતી કરી કે તે ઊંચા પદો પર બેઠેલા લોકોના ઉશ્કેરણીજનક નિવેદનોના મુદ્દે વિચાર કરી નિયમ બનાવે. રાજકીય પક્ષોએ પણ તેમના સભ્યો માટે આચરણ કોડ બનાવવા જોઈએ.

કેસ શું હતો?

ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૧૬માં સમાજવાદી પક્ષની સરકાર હતી તે સમયે ૩૦મી જુલાઈએ બુલંદ શહેરમાં હાઈવે પર માતા-પુત્રી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સંસદમાં પણ તેના પડઘા પડયા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશના તત્કાલીન મંત્રી આઝમ ખાને આ ઘટનાને 'રાજકીય કાવતરું' ગણાવી હતી અને ત્યાં સુધી કહી દીધું કે સત્તા મેળવવા માટે વિપક્ષ કોઈપણ હદે જઈ શકે છે. તેમના આ નિવેદનનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પાછળથી આઝમ ખાને કોઈપણ શરતો વિના માફી માગવી પડી હતી. પરંતુ નેતાઓ-મંત્રીઓના બેફામ નિવેદનો સામે સવાલ ઊઠયા હતા. જેથી ૨૦૧૭માં આ કેસ બંધારણીય બેન્ચને મોકલી દેવાયો હતો. આ કેસમાં આજે ચૂકાદો આવ્યો હતો.

ન્યાયાધીશ નાગરત્નાનો 24 કલાકમાં બીજો અલગ ચૂકાદો

મંત્રી અપમાનજનક નિવેદન કરે તો સરકારને જવાબદાર ઠેરવી શકાય

- કોઈએ ત્યારે જ બોલવું જોઈએ જ્યારે ભગવાન પણ તે સાંભળે તો તેમને યોગ્ય લાગે : બીવી નાગરત્ના

નવું વર્ષ ૨૦૨૩ શરૂ થતાં જ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી અને મંત્રીઓના બોલવાની આઝાદી જેવા બે મહત્વપૂર્ણ કેસમાં ચૂકાદા આવ્યા. આ બંને ચૂકાદામાં ન્યાયાધીશ નાગરત્નાએ બહુમતથી અલગ ચૂકાદા આપ્યા હતા. મંત્રીઓ-નેતાઓના બોલવાની આઝાદીના કેસમાં ન્યાયાધીશ બીવી નાગરત્નાએ કેટલાક મુદ્દાઓ પર બેન્ચના અન્ય ન્યાયાધીશોથી અલગ ચૂકાદો લખ્યો હતો.

ન્યાયાધીશ નાગરત્નાએ સ્પષ્ટ કર્યું કે, નેતાઓ પર કલમ ૧૯(૨)માં અપાયેલા યોગ્ય પ્રતિબંધો સિવાય વધારાનો પ્રતિબંધ મૂકી શકાય નહીં. જોકે, મંત્રીઓના નિવેદનોને સરકારી નિવેદન માની શકાય કે નહીં તે અંગે તેમનો વિચાર અલગ હતો. તેમણે કહ્યું કે, મંત્રીઓ વ્યક્તિગત અને સત્તાવાર બંને રીતે નિવેદન આપી શકે છે. મંત્રી વ્યક્તિગત રીતે નિવેદન આપે તો તે તેમનું વ્યક્તિગત નિવેદન મનાશે. પરંતુ તેઓ સરકારના કામ સંબંધે નિવેદન આપી રહ્યા હોય તો તેમનું નિવેદન સરકારનું સામૂહિક નિવેદન માની શકાય છે. કોઈ મંત્રી પોતાના સત્તાવાર અધિકારની ક્ષમતામાં અપમાનજનક નિવેદન કરે તો આવા નિવેદનો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય છે. જોકે, મંત્રીઓના નિવેદનો છૂટક અને સરકારની નીતિઓને અનુરૂપ ન હોય તો તેને વ્યક્તિગત ટીપ્પણી માની શકાય. તેમણે ઉમેર્યું કે, નાગરિકો અને સરકારી અધિકારીઓએ વિશેષ રૂપે સાથી નાગરિકો પર અપમાનજનક ટીપ્પણી કરતા રોકવા માટે સંસદે કાયદો બનાવવાનો છે.

ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું કે જાહેર પદાધિકારીઓ અને અન્ય પ્રભાવવાળા લોકો તથા પ્રખ્યાત હસ્તીઓ જનતા તથા ચોક્કસ વર્ગ સુધી તેમની પહોંચને ઓળખે છે. એવામાં તેમના ભાષણ જવાબદાર અને સંયમિત હોવા જોઈએ. તેમણે જાહેર ભાવના અને વ્યવહાર પર સંભવિત પરિણામોના સંબંધમાં તેમના શબ્દોનો સમજીને ઉપયોગ કરવાની જરૂર છે. તેમણે ગીતાનો એક શ્લોક ટાંકતા કહ્યું કે, કોઈએ ત્યારે જ બોલવું જોઈએ, જ્યારે તે દોરીમાં પરોવેલા મોતીઓની જેમ હોય અને ભગવાન પણ તેને સાંભળે તો તે યોગ્ય લાગે. ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ એવું જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જોઈએ કે લોકો તેમને અનુસરે.